Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કારની આગળ લગાવેલા બુલ-બાર્સ કાઢી નહીં નાખો તો પેનલ્ટી ભરવી પડશે

નવી દિલ્હી તા. રર :..  ભારત સરકારે તાજેતરમાં તમામ રાજયોને વાહનની આગળ લગાવવામાં આવતા ક્રેશ-ગાર્ડસ હટાવવા માટેનો નિર્દેશ કર્યો છે. કારમાં જે બુલ-બાર્સ  એટલે કે બોનેટની આગળ સેફટી માટે સળીયાની જાળી ભરાવવામાં આવે છે એ ગેરકાનુની છે. આવી જાળી લગાવવી એ ૧૯૮૮ ના મોટર વેહિકલ એકટનું ઉલ્લંઘન છે. પહેલી વાર આ કૃત્ય માટે પકડવામાં આવે તો ૧૦૦૦ રૂપિયાનો દંડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. બીજી વારના ઉલ્લંઘન માટે ર૦૦૦ રૂપિયાના દંડનું પ્રાવધાન છે, જયારે આ કાયદાનું ઉલ્લંઘન થાય તો આવી કારના વેચાણકર્તાને  પ૦૦૦ રૂપિયાની પેનલ્ટી થઇ શકે છે.

ભારતના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ ખાતાએ રાજયોના ટ્રાન્સપોર્ટ ખાતાના અધિકારીઓને લેખિતમાં જણાવ્યું હતું કે મોટર વેહિકલ એકટ, ૧૯૮૮ ના સેકશન પર અંતર્ગત વાહનોની આગળ ક્રેશ-ગાર્ડસ  કે બુલ-બાર્સ લગાવવાનું ગેરકાનુની છે અને સેકશન ૧૯૦ અને ૧૯૧ મુજબ દંડને પાત્ર છે.

ક્રેશ-ગાર્ડસ કે બુલ-બાર્સ રસ્તે ચાલતા રાહદારીઓની સેફટી માટે ગંભીર ચિંતાનો વિષય હોવાથી કેન્દ્ર દ્વારા તમામ રાજયોને મોટર વેહિકલ્સમાંથી અનઓથોરાઇઝડ ક્રેશ-ગાર્ડસ દૂર કરવાનું કહ્યું છે.

(11:35 am IST)