Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ઇઝરાયેલના PM ઉત્તરાયણે બનશે અમદાવાદના મહેમાન

ઇઝરાયેલના વડાપ્રધાન પહેલીવાર આવશે ગુજરાતઃ કાઇટ ફેસ્ટિવલમાં વડાપ્રધાન મોદી અને ઇઝરાયેલી પીએમ લઇ શકે છે ભાગ

નવી દિલ્હી તા. ૨૨ : આગમી ૧૩-૧૪ જાન્યુઆરીના રોજ ગુજરાત કાઈટ ફેસ્ટિવલમાં વડાપ્રધામ મોદી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહુ અને ઈઝરાઇલી ડેલિગેશનને અમદાવાદ ખાતે આવકારશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વડાપ્રધામ મોદી દ્વારા વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં ચાઇનિસ પ્રેસિડેન્ટ શી જિનપિંગ, જાપાનીઝ વડાપ્રધાન શિંઝો આબે, અમેરિકાના પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ જહોન કેરી અને સંયુકત રાષ્ટ્ર સેક્રેટરી જનરલ બાન કી મૂન સહિતના મહાનુભાવો છે. આ પહેલા પણ કાઇટ ફેસ્ટિવલ નિમિત્ત્।ે ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન મોદી ૧૦૦ જેટલા દેશના નેતાઓને ગુજરાતમાં આવકારી ચૂકયા છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં દર વર્ષે ઈઝરાયેલ ભાગ લે છે પરંતુ આ વખતે આ સમિટ ખાસ હશે કેમ કે પહેલીવાર ઈઝરાયલી વડાપ્રધાન ગુજરાત પર આવશે. જોકે આ અંગે હજુ સુધી વડાપ્રધાન મોદીના કાર્યાલય અને ઈઝરાયેલી વડાપ્રધાન કાર્યાલય તરફથી ગુજરાત સરકારને કોઈ સત્તાવાર પત્ર આવ્યો નથી પરંતુ ભારતીય વિદેશ વિભાગે ગુજરાત સરકારને બંને વડાપ્રધાનના ૨ દિવસીય વિઝિટ કાર્યક્રમ માટે ટેન્ટેટિવ ડેટ આપી છે.

ગત જુલાઈ માસમાં વડાપ્રધાન મોદી ઈઝરાયેલ મુલાકાતે ગયા હતા. આ ઘટના ઐતિહાસિક માનવામાં આવે છે કેમ કે આટલા વર્ષોમાં કયારેય ભારતીય વડાપ્રધાને ઈઝરાયેલની મુલાકાત લીધી નથી. રાજયમાં વિદેશ મહેમાનોને આવકારવાની જવાબદારી ધરાવતા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, હાલ તો અમને કોઈ ખાસ સૂચના આપવામાં આવી નથી પરંતુ એટલું કહેવામાં આવ્યું છે કે આગામી ૧૩-૧૪ જાન્યુઆરીના રોજ બંને મહાનુભાવો ગુજરાતની મુલાકાત લઇ શકે છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 'સાબરતમી રિવરફ્રન્ટ પર દરવર્ષે યોજાતા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં મહાનુભાવો મુલાકાત લઈ શકે છે. તેમજ મોદી અને નેતન્યાહુ જુનાગઢમાં સિંહ દર્શનાર્થે પણ જઈ શકે છે. તેમજ કચ્છ ખાતે આવેલ એગ્રિકલ્ચર સેન્ટર ઓફ એકસેલન્સની પણ મુલાકાત લઈ શખે છે. ત્યારબાદ દિલ્હી રવાના થઈ શકે છે.'

આ મુલાકાત દરમિયાન ગુજરાત અને ઈઝરાયેલની કંપનીઓ વચ્ચે ખેતીવાડી, સંરક્ષણ અને ગ્રીન ટેકનોલોજી અંગે ટાઇઅપ થઈ શકે છે.

(11:27 am IST)