Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

માર્ચ પહેલા પદ્માવતીની રિલીઝ મુશ્કેલ

સેન્સર બોર્ડ ફિલ્મ સર્ટિફિકેશન માટે ઇતિહાસકારોની પેનલ બેસાડશે

મુંબઇ, તા. રર : 'પદ્માવતી'  માર્ચ પહેલા રિલીઝ કરવામાં આવે એની શકયતા ઘણી ઓછી છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મને બે વાર ફિલ્મ સર્ટિફીકેશન માટે સેન્સર બોર્ડમાં મોકલવામાં આવી હતી, પરંતુ બન્ને વાર ફિલ્મને રિજેકશન મળ્યું હતું. જોકે સેન્સર બોર્ડ હવે આ ફિલ્મ માટે ઇતિહાસકારોની એક પેનલ ગોઠવવાની તૈયારી કરી રહ્યું છે. આ ફિલ્મના ડિસ્કલેમરમાં લખવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ફિકશનની સાથે કેટલાક ઐતિહાસિક તથ્યો પરથી પણ બનાવવામાં આવી છે. એથી સેન્સર બોર્ડ ફિલ્મ સાથે ખૂબ જ સાવચેતી દાખવી રહી છે. આ ફિલ્મને કેટલાક રાજયોએ બેન કરવાની માગણી કરી છે તો અમુક રાજયોએ તો બેન પણ કરી દીધી છે. આ ફિલ્મને ગુજરાતના ઇલેકશન બાદ રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા હતી. જોકે ગુજરાતના ઇલેકશનનું રિઝલ્ટ આવી ગયું હોવા છતાં ફિલ્મના સર્ટિફીકેશનના કોઇ અણસાર નથી. ડીસેમ્બર એન્ડ ચાલી રહ્યો હોવાથી સેન્સર બોર્ડ પાસે હાલમાં ઘણી ફિલ્મો પેન્કીંગ પડી છે. 'પદ્માવતી' પહેલા લગભગ ૪૦ જેટલી હિન્દી અને રીજનલ ફિલ્મોનું સર્ટિફીકેશન આપવામાં આવશે. એથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી 'પદ્માવતી'ને સર્ટિફિકેટ મળવું મુશ્કેલ છે. 'પદ્માવતી'ના સ્ક્રીનિંગ માટે સેન્સર બોર્ડ ઇતિહાસકારોની એક પેનલ બેસાડશે જેથી ફિલ્મને પાછળથી કોઇ મુશ્કેલી ન આવે. સેન્સર બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ 'પદ્માવતી'ને માર્ચ પહેલા રિલીઝ કરવામાં નહિ આવે.

(11:34 am IST)