Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ભાજપની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવીઃ શું કરવુ, શું ન કરવુ ?

રજી સ્પેકટ્રમ કૌભાંડમાં કોર્ટે એ.રાજા અને કનીમોઝી સહિતના આરોપીઓને છોડી મુકાતા ભાજપ ભારે મુઝવણમાં: જો નરમ બને તો મતદારો નારાજ થાય અને આક્રમક બને તો સંભવિત સાથીદાર તરીકે ડીએમકે નારાજ થાય તેમ છે

નવી દિલ્હી તા.રર : સીબીઆઇની સ્પેશીયલ કોર્ટ દ્વારા રજી સ્પેકટ્રમ ફાળવણી કેસમાં ડીએમકેના નેતાઓ એ.રાજા અને કનીમોઝીને છોડી મુકાયા બાદ ભાજપની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ ગઇ છે. શું કરવુ અને શુ ન કરવુ એ બાબતને લઇને ભાજપ મુંઝવણમાં છે. આ બંને નેતાઓ વિરૂધ્ધ આક્રમક રૂખ અપનાવવાથી ભાજપ માટે બની શકે કે ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં તામિલનાડુમાં ડીએમકેના સ્વરૂપમાં એક સંભવિત સહયોગીથી હાથ પણ ધોવા પડે. જયારે બીજી તરફ નરમ વલણ અપનાવે તો ભ્રષ્ટાચાર વિરૂધ્ધ એ બાબતે શું કહેવુ કે જેના થકી ર૦૧૪માં મોદી સત્તામાં આવ્યા હતા.

ભાજપે હાલના મહિનાઓમાં ડીએમકે સાથે હાથ મિલાવ્યા છે. આવુ ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તામિલનાડુમાં એક સાથી મેળવવાના પ્લાન હેઠળ કરવામાં આવ્યુ છે. જયલલિતાના નિધન બાદ અન્નાડીએમકે જ ભાજપની પ્રથમ પસંદગી હતો અને ભાજપે એ પક્ષના બંને જુથો સાથે ગઠબંધનના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ પાછલા કેટલાક મહિનાઓમાં અન્નાડીએમકેને લઇને મન ખાટુ થઇ જતા મોદીએ ડીએમકે તરફ હાથ લંબાવ્યો હતો. ગયા મહિને મોદી ડીએમકે સુપ્રિમો કરૂણાનીધિના ખબર પુછવા પણ ગયા હતા પરંતુ સંદેશ સ્પષ્ટ હતો.

આ પરિસ્થિતિમાં ભાજપ આવતા મહિનાઓમાં આ કેસને હાઇકોર્ટમાં લઇ જવા પર કાયદો તેનુ કામ કરશે તેવો રાગ આલાપી રહ્યુ છે. રોબર્ટ વાડ્રા કેસમાં તે પહેલેથી આવુ વલણ અપનાવી ચુકેલ છે. આ કેસ ભાજપ શાસિત રાજસ્થાન અને હરિયાણામાં આગળ વધતો ન હતો. જયારે લોકસભાની ચૂંટણીમાં વાડ્રા કેસ પર ઘણુ ગળુ ફાળવામાં આવ્યુ હતુ એવુ લાગતુ હતુ કે આ મામલાને ભાજપ ચૂંટણી પ્રચારમાં ઉઠાવશે.

જો કે ભાજપ માટે મોટી ચિંતા એ છે કે રજી કેસમાં નરમ વલણ બતાવવાથી મતદારોમાં ખોટી છબી ઉભી થઇ શકે તેમ છે કારણ કે પક્ષે ર૦૧૪માં તેને ચૂંટણીનો મુદો બનાવ્યો હતો. ભાજપના નેતાઓ માની રહ્યા છે કે કોર્ટના ફેંસલાએ કોંગ્રેસને પલટવાર કરવાનો મોકો આપ્યો છે પરંતુ તેઓનુ એવુ પણ કહેવુ છે કે, આ બધુ થોડા સમયની જ વાત છે કારણ કે ઉપરની અદાલતો આ ફેંસલાને પલ્ટી નાંખશે. એક કેન્દ્રીય મંત્રીએ કહ્યુ છે કે, થોડા દિવસોની જ ચાંદની છે. જો કે આ મામલો કોર્ટમાં મહિનાઓ સુધી ખેંચાઇ શકે છે.

આ દરમિયાન કોંગ્રેસ તુર્ત મેસેજ આપ્યો હતો કે તે પોતાના જુના સાથીની સાથે જ છે. ગુલામનબી અને આનંદ શર્મા કનીમોઝીને મળ્યા હતા. એવુ લાગે છે કે, કોંગ્રેસના પક્ષમાં બદલતા રાજકીય માહોલ અને તામિલનાડુમાં ભાજપની કોઇ ખાસ હાજરી નથી. તે જોતા ડીએમકે પણ પલ્ટી નહી મારે. જો તે આવુ કરશે તો ભાજપનો પ્લાન ઉંધો વળી જશે. ૨૦૧૯ની ચૂંટણી માટે તે દ.ભારત અને નોર્થ ઇસ્ટમાં નવા સાથીદારો શોધે છે. તેને ખબર છે કે યુપી, બિહાર, રાજસ્થાન અને એટલુ જ નહી ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણી જેવો દેખાવ થઇ શકે તેમ નથી અથવા તો સરળ નથી. કોંગ્રેસે મુશ્કેલી ઉભી કરી દીધી છે.(૩-૪)

(11:24 am IST)