Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ગંદા હૈ પર ધંધા હૈ યે

ટોઇલેટ ચલાવવા ૮૫ લાખની બોલી

મહિને ૧૮ લાખની કમાણી જોઇ લાગી ૧૦ ગણી ઉંચી બોલી

મુંબઇ તા. ૨૨ : બોલિવૂડ ફિલ્મમાં એક ગીત લાઈન છે 'ગંદા હૈ પર ધંધા હૈ યે' પરંતુ આ ધંધામાં કેટલા ફાયદા છે તેની જાણ ટોઈલેટના એક ટેન્ડરમાંથી થઈ. જી, હાં રેલવે સ્ટેશનોના ટોઈલેટ હવે નવો બિઝનેસ હબ બનાવા જઈ રહ્યા છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પરિસરમાં સ્થિત એક ટોઈલેટ ટેન્ડરને જોઈને તો આવું જ લાગે છે. સૂત્રો મુજબ આ ટોઈલેટને ચલાવવા માટ ૮૫ લાખ રૂપિયાની બોલી લાગી છે.

સામાન્ય રીતે સ્ટેશનો પર ટોઈલેટની સફાઈનું કામ લેવા માટે વધુમાં વધુ ૬-૮ લાખ રૂપિયાની બોલી લગાવાય છે. પણ, સીએસએમટીના આ ટોઈલેટના ટેન્ડર માટે ૧૦ ગણી વધારે બોલી લગાવવામાં આવી. હકીકતમાં આ ટોઈલેટને પહેલીવાર રિનોવેટ, ઓપરેટ, મેઈન્ટેઈન અન્ડ ટ્રાન્સફર યોજના અંતર્ગત કોન્ટ્રાકટ પર આપવામાં આવ્યું છે. રેલવે અનુસાર આવી રીતે કોન્ટ્રાકટર શૌચાલયોની સ્વચ્છતા પ્રત્યે વધારે ગંભીર થશે.

હાલમાં આ ટોઈલેટને ૩ મહિના માટે ૮ લાખ રૂપિયા આપીને ચલાવાઈ રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં નવી યોજના મુજબ કોન્ટ્રાકટ આપવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે આ ટોઈલેટને ૧૦ વર્ષના કોન્ટ્રાકટ પર આપવામાં આવી રહ્યું છે. તેમાં કોન્ટ્રાકટર શૌચાલયના નવીનીકરણથી લઈને દેખભાળ સુધીનું કામ કરશે. સીએસએમટી સ્ટેશન પર બે ટોઈલેટ બ્લોક છે. તેમાંથી એકમાં મુખ્ય અને એક ઉપનગરીય લાઈન પર સ્થિત છે.

હાલમાં જ થયેલા એક સર્વે મુજબ મુંબઈ રેલવે સ્ટેશનોના મોટાભાગના શૌચાલયો ગંદીકી અને વાસ મારે છે. રેલવે દ્વારા પે એન્ડ યૂઝ યોજના શરૂ કરવા છતા સ્થિતિમાં સુધારો નથી થયો. એક અધિકારી અનુસાર અમે પણ શૌચાલય ચલાવવા માટે આટલી મોટી બોલી લાગવાની ઉમ્મીદ નહોતી. હવે ટેન્ડરને ફાઈનલ કરવામાં આવી રહ્યું છે. આવતા વર્ષથી નવા કોન્ટ્રાકટરને શૌચાલય સોંપી દેવામાં આવશે.

ભારતીય રેલવેની પે એન્ડ યૂઝ સ્કીમ મુજબ વોશરૂમ માટે ૧ રૂપિયો, ટોઈલેટ માટે ૫ રૂપિયા અને સ્નાન માટે ૧૫ રૂપિયા લેવામાં આવે છે. સીએસએમટી સ્ટેશન પર રોજના ૨.૫ લાખ યાત્રીઓ આવ-જાવ કરે છે. પ્રતિદિન ૬૫-૭૦ હજાર લોકો શૌચાલયનો ઉપયોગ કરે છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે નવા શૌચાલય વાતાનુકૂલિત હશે. જો શૌચાલયનો સંપૂર્ણ ઉપયોગ થશે તો કોન્ટ્રાકટરને મહિને ૧૮ લાખ રૂપિયાની કમાણી થશે.

(10:07 am IST)