Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ઇન્કમ ટેકસના જૂના કેસની તપાસ તાકીદે પૂર્ણ કરવા આદેશ

સીબીડીટી દ્વારા ગુજરાત આયકર વિભાગને રૂ. ૪૬૮૩૮ કરોડનો ટાર્ગેટ અપાયોઃ જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં જ કેટલો ટેકસ કલેકશન થશે તેનો અંદાજ આવી જશે

નવી દિલ્હી તા. ૨૨ : હિસાબી વર્ષ પૂરું થવાને હવે ગણતરીના મહિના જ બાકી હોવાથી આયકર વિભાગના અધિકારીઓને દિલ્હી દરબારમાંથી જૂના કેસોની તપાસ તાકીદે પુરી કરવાના આદેશ મળી ગયા છે. અધિકારીઓ પણ જૂના કેસોની તપાસ પૂરી કરવાની સાથે સાથે વર્ષ દરમિયાન ઇનકમ ટેકસની ચોરી કરનાર કરદાતાઓની સ્ક્રુટીનીની કામગીરીમાં લાગી ગયા છે. તમામ સ્ક્રૂટીની અને પેન્ડિંગ તપાસ ડિસેમ્બર એન્ડ સુધીમાં પુરી કરી દેવા માટે અધિકારીઓ ઓવર ટાઇમ કરી રહ્યા છે. આ કામગીરી પૂરી થયા બાદ જ આયકર વિભાગ જાન્યુઆરી - ફેબ્રુઆરી માસમાં ટેકસ કલેકશન કરશે. સીબીડીટી દ્વારા ગુજરાત આયકર વિભાગને રૂપિયા ૪૬૮૩૮ કરોડનો ટાર્ગેટ અપાયો છે. જે ટાર્ગેટ માર્ચ એન્ડિંગમાં પુરો થઇ જાય તેના માટે આયકર વિભાગ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

ઇનકમ ટેકસ ભરવા માટે આયકર વિભાગના અધિકારીઓ કરદાતાઓ ઉપર દબાણ પણ કરી રહ્યા છે. જેને લઇને મોટા પાયે ટેકસ કલેકશન થતું હોવાનું પણ અધિકારીઓ જણાવી રહ્યા છે. હાલ સ્ક્રૂટીની અને તેના એસેસમેન્ટની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.

ચૂંટણીને કારણે આયકર વિભાગને શાંતિ રાખવા માટેના આદેશ અપાયા હતા. જેને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી આયકર વિભાગે સર્ચ કે દરોડા સદંતર બંધ કરી દીધા હતા. આ સમય દરમિયાન તમામ પેન્ડિંગ કેસ પુરા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે ચૂંટણી પૂર્ણ થવાની સાથે હિસાબી વર્ષ પણ નજીકમાં પુરુ થશે. ત્યારે જ ગુજરાત આયકર વિભાગને નાણાં મંત્રાલય દ્વારા રૂપિયા ૪૬૮૩૮ કરોડનો અપાયેલો ટાર્ગેટ પુરો કરવા માટે ડિપાર્ટમેન્ટે કવાયત શરૂ કરી છે. હાલ તમામ પેન્ડિંગ કેસની સાથે સાથે સ્ક્રૂટીનીની કામગીરી પણ પૂરી કરવામાં આવી રહી છે. એસેસમેન્ટ પણ કોઇ વિવિદ વગર અને કરદાતાઓની પરેશાન વગર થઇ જાય તેના માટે સીબીડીટી દ્વારા ઓનલાઇન એસેસેમેન્ટ અને તેના ઉપર વોચ રાખવા માટે એક કમિટી પણ તૈયાર કરી દેવામાં આવી છે. હવે જો ડિપાર્ટમેન્ટ ટાર્ગેટ પુરો કરવામાં નિષ્ફળ જશે તો આવતા વર્ષે કરચોરો ઉપર મોટા પાયે દરોડા અને સર્ચની કામગીરી કરવામાં આવશે જેના માટે કરચોરોએ તેયાર રહેવું પડશે.

(10:07 am IST)