Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જેરૂસલેમઃ ભારત સહિત ૧૨૮ દેશોએ કર્યું અમેરિકા વિરૂધ્ધ મતદાન

પ્રસ્તાવ પહેલા ટ્રમ્પે આપી હતી ધમકીઃ 'અમેરિકા આ દિવસ કયારેય નહિ ભૂલે'

યુનો તા. ૨૨ : સંયુકત રાષ્ટ્ર મહાસભાએ ગુરુવારે એક પ્રસ્તાવ પાસ કરી અમેરિકાને જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની નિર્ણયને પાછો લેવા કહ્યું છે. આ પ્રસ્તાવને ભારત સહિત ૧૨૮ દેશોએ સમર્થન આપ્યું, જયારે માત્ર ૯ દેશોએ જ પ્રસ્તાવના વિરોધમાં વોટ આપ્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ધમકી આપી હતી કે જે પણ દેશ પ્રસ્તાવના પક્ષમાં મત આપશે, તેને અમેરિકા તરફથી આપવામાં આવતી આર્થિક મદદમાં કાપ મૂકી દેવામાં આવશે. તેમની ધમકીની કોઈ ખાસ અસર ન પડી અને માત્ર ૯ દેશોએ જ પ્રસ્તાવની વિરુદ્ઘ વોટ આપ્યો અને ૩૫ દેશોએ વોટિંગમાં ભાગ ન લીધો. ગ્લાટેમાલા, હોન્ડુરાસ, ઈઝરાયલ, માર્શલ આઈસલેન્ડ્સ, માઈક્રોનેશિયા, પલાઉ, ટોગો અને અમેરિકાએ પ્રસ્તાવના વિરોધમાં વોટ આપ્યો.

સંયુકત રાષ્ટમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ મહાસભાના પ્રસ્તાવની ટીકા કરી છે. હેલીએ કહ્યું કે, અમેરિકા એ દિવસને યાદ રાખશે જયારે એક સાર્વભૌમ દેશ તરીકે પોતાના અધિકારનો ઉપયોગ કરવાને કારણે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં તેના પર હુમલો થયો. તેમણે કહ્યું કે, અમેરિકા જેરૂસલેમમાં પોતાની એમ્બેસી ખોલશે.

સોમવારે અમેરિકાએ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આવા જ એક પ્રસ્તાવને વીટો કર્યો હતો. અમેરિકાને છોડીને UNSCના બાકી બધા ૧૪ સભ્યો પ્રસ્તાવના પક્ષમાં હતા. અમેરિકા દ્વારા પ્રસ્તાવ સામે વીટો કરાયા બાદ તેને મહાસભામાં મોકલાયો હતો.

(10:04 am IST)