Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દહેજમાં ન મળી ઇનોવા કાર તો પુત્રવધૂને એક મહિનો કેદ રાખી

યુપીના દેવરિયા જિલ્લાનો કિસ્સોઃ ૧૬ લાખ ઓછા પડયા, ઇનોવા માગી

દેવરિયા તા. ૨૨ : ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં એક પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, તેના સાસરિયાએ તેને કેદ કરી રાખી અને મારપીટ કરી. પીડિતાનો આરોપ છે કે, તેના સાસરવેલે લગભગ એક મહિના સુધી તેને કેદ રાખી હતી અને તેનું ઉત્પીડન કર્યું હતું. ત્યાર બાદ પાડોશીઓએ જયારે પીડિતાનાં માતાપિતાને ઉત્પીડનની જાણકારી આપી તો પોલીસની મદદથી તેને છોડાવવામાં આવી.

બરહજ પોલીસ સ્ટેશન વિસ્તારના પરસિયા તિવારી ગામ નિવાસી માલકેશ્વર તિવારીએ તેમની પુત્રી પ્રેમશીલાનાં લગ્ન ગત ૨૩ એપ્રિલે ગોરયા ઘાટ ખાતે રહેતા ઘનશ્યામ મિશ્રા સાથે કર્યાં હતાં. યુવતીના પિતા માલકેશ્વર કહે છે કે, તેમણે દહેજમાં સામાન અને રોકડ મળી કુલ ૧૬ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ સાસરિયાના લોકોએ દહેજ તરીકે ઇનોવા કારની માગણી કરી હતી. જયારે આ વાત પીડિતાએ તેના પિતાને જણાવી તો તેમણે તે માટે ના પાડી.

માગણી પૂરી ન થતાં સાસરિયાએ પ્રેમશીલાને એક રૂમમાં કેદ કરી ભૂખી-તરસી છોડી દીધી. પ્રેમશીલાએ કોઈ પણ રીતે પાડોશીને ફોન કરી આ વાતની જાણ પિયર સુધી પહોંચાડી. ત્યાર બાદ પીડિતાનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેને છોડાવી.

(10:03 am IST)