Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ભાજપમાં સંગઠન અને સરકાર સ્તરે ધરખમ પરિવર્તનનો ધમધમાટ

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સંગઠનમાંથી સરકારમાં લઇ જવાશે

નવી દિલ્હી તા. ૨૨ : જો જીતા વહી સિકંદર, આંકડાની રમતમાં ન પડીએ તો એક વાત કલીયર થઈ છે કે સતત છઠ્ઠી વખત ગુજરાતમાં ભાજપ સતા જાળવી રાખવામાં સફળ થયું છે. ભાજપને બેશક તેની અપેક્ષા કરતા ઓછી બેઠકો મળી છે. ભાજપનાં પ્રદેશ નેતાઓ મોદીના ગુજરાતને જાળવવામાં ઉણા ઉતર્યા છે. એટલું જ નહી નવ જેટલા મંત્રીઓ હારી ગયા છે. આ મુદઓ ભાજપ સંગઠન માટે ચિંતાનો વિષય જરૂર છે. નરેન્દ્ર મોદીને ગુજરાતનાં આ પરિણામોથી ખુશ ન હોય તે સમજી શકાય. કારણ કે ૧પ૦ પ્લસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો તેમાં ૯૯નો બેઠકરૂપી ચાંદલો ઓછો આવ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ હવે સૌથી મોટો સવાલ એ પૂછાઈ રહયો છે કે કૌન બનેગા મુખ્યમંત્રી ?

ભાજપની શિર્ષસ્થ નેતાગીરીએ ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો કરવાનું મન બનાવી લીધુ છે અને તેના માટેની કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાતમાં નવા પ્રધાનમંડળનો શપથવિધિ સમારોહ રપ ડિસેમ્બરે અટલ બિહારી વાજપેઈનાં જન્મદિને અમદાવાદમાં યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપના કેટલાક આગેવાનોનું માનીએ તો ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન માટે ત્રણેક નામો પર ચર્ચા ચાલી રહી છે. તેમાં વિજય રૂપાણી, પાટીદાર નેતા મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા મુખ્ય છે. ગુજરાતમાં કોંગ્રેસે ઉભા કરેલા પડકારમાં પક્ષનું શાસન જાળવી રાખનાર વિજય રૂપાણીને મુખ્યપ્રધાનપદે ચાલુ રાખવામાં આવે તેવી શકયતા વધુ છે. આવી થીયરી નીતીન પટેલ માટે પણ ચાલી રહી છે. મહેસાણા એ પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહયુુ છે. ઉત્ત્।ર ગુજરાતમાં ધૂરંધરો હારી ગયા છેત્યારે નિતીન પટેલે સીટ જાળવી રાખી છે. એટલે શકય છે કે ડે.સીએમ પદે પણ તેઓ યથાવત રહે. આમ હાલના સીએમ અને ડે.સીએમને યથાવત રાખીને યુપીની પેટર્ન પર બીજા એક ડે.સીએમ મુકવા માટે વિચારણા ચાલી રહી છે. ઉત્ત્।ર ગુજરાત અને રાજયની અન્ય કેટલીક સીટ પર ઓબીસી મતદારો ભાજપની પડખે રહયા છે એટલે બીજા એક નાયબ મુખ્યપ્રધાન તરીકે કોઈ યુવા ઓબીસીને લેવામાં આવે તેવી શકયતા વ્યકત થઈ રહી છે. હાલ યુપીમાં બે ડે.સીએમ છે. આ ફોર્મ્યુલા ભાજપને ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ફાયદો કરાવશે તેવુ ગણીત મુકવામાં આવી રહયુ છે.

સરકારના નવા પ્રધાનમંડળમાં પણ નોંધપાત્ર ફેરફારની સાથે ભાજપ હાઈકમાન્ડ સંગઠનમાં મોટા ફેરફાર લાવવા માગે છે તેવા સંકેતો મળી રહયા છે. એક ચર્ચા એવી છે કે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સંગઠનમાંથી સરકારમાં લઈ જવાશે. પ્રદેશ પ્રમુખના બદલે તેમને કેબીનેટમાં સ્થાન આપવામાં આવે તેવી શકયતા છે.

અગાઉ આનંદીબહેનની સરકારમાં વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હોવા છતાં કેબીનેટમાં હતા. વાઘાણીનાં સ્થાને પ્રદેશ ભાજપનું સુકાન ચર્ચાતા ચહેરાઓના બદલે કોઈ નવા જ નામની પસંદગી કરી તેને સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર નેતાને બદલે અન્ય કોઈ જ્ઞાતિ કે સમાજ પર સારી પક્કડ ધરાવનાર અને પ્રભાવશાળી હોય તેવા નેતાને મુકવા કમર કસી છે. ર૦૧૮માં રાજયસભાની ચૂંટણી આવી રહી છે અને ર૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અન્ય સમાજ જે ભાજપથી ધીરે ધીરે વિમુખ થઈ રહયો છે એવા સમાજમાંથી કોઈ એક નેતાને પ્રદેશ પ્રમુખપદ સોંપવામાં આવે તેવી શકયતા પૂરેપૂરી છે. ભાજપ હવે આવનારી ચૂંટણીમાં કોઈ ચાન્સ લેવા માગતો નથી.

(10:02 am IST)