Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

આયકર મુકિત મર્યાદા વધારીને ૩ લાખ કરવા તૈયારી

૧લી ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ રજુ થનારા બજેટમાં થશે એલાનઃ ૬૦ વર્ષથી વધુ અને ૮૦ વર્ષથી ઓછી ઉંમરના સીનીયર સીટીઝન માટે આયકર મુકિત મર્યાદા ૩.પ૦ લાખ રૂપિયા અને તેથી વધુ ઉંમરના સુપર સીનીયર સીટીઝન માટે આ છુટ પ.પ૦ લાખ રૂપિયા કે તેથી વધુ થઇ શકે છે.: જો કે ઇન્કમટેક્ષ છુટની સીમા માટે ૩ પ્રસ્તાવો તૈયાર કરાયાઃ પ૦,૦૦૦નો વધારો કરવા સહમતીઃ મોદી સરકારનું પુર્ણ બજેટ હશે

નવી દિલ્હી તા.રર : ૧લી ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ રજુ થનારા સામાન્ય બજેટમાં કરદાતાઓ માટે ઇન્કમટેક્ષ છુટની સીમા વધારીને ૩ લાખ કરવામાં આવે તેવી શકયતા છે. ૬૦ વર્ષથી વધુ અને ૮૦ વર્ષથી ઓછી ઉંમરના સીનીયર સીટીઝન માટે આયકર મુકિત મર્યાદા ૩.પ૦ લાખ રૂપિયા અને તેથી વધુ ઉંમરના સુપર સીનીયર સીટીઝન માટે આ છુટ પ.પ૦ લાખ રૂપિયા કે તેથી વધુ થઇ શકે છે.

લોકસભાની ચૂંટણી પહેલા આ મોદી સરકારનુ અંતિમપુર્ણ બજેટ હશે. ઇન્કમટેક્ષની છુટ સીમાને વધારવાને લઇને ત્રણ પ્રસ્તાવો ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ત્રણ પ્રસ્તાવો નાણા મંત્રાલયના અધિકારીઓએ અર્થશાસ્ત્રીઓ અને ટેકસના નિષ્ણાંતો સાથે વાતચીત કરી તૈયાર કર્યા છે. જેના પર અંતિમ નિર્ણય પીએમઓ સાથે મીટીંગ બાદ લેવામાં આવશે. અત્યારે કરદાતાને ર.પ૦ લાખ રૂપિયા સુધીની આવક પર ટેકસ છુટ મળે છે. સીનીયર સીટીઝન માટે ૩ લાખ અને સુપર સીનીયર સીટીઝન માટે ઇન્કમટેક્ષ છુટ પ લાખ રૂપિયા છે. આનો મતલબ એ છે કે આટલી વાર્ષિક આવક પર કોઇ ઇન્કમટેક્ષ બનતો નથી.

નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રથમ પ્રસ્તાવમાં કરદાતા માટે છુટની સીમા ર.૭પ લાખથી ૩ લાખ કરવા, સીનીયર સીટીઝન માટે ૩.૩૦ લાખથી ૩.પ૦ લાખ રૂપિયા અને સુપર સીનીયર સીટીઝન માટે પ.પ૦ લાખ કરવાનો પ્રસ્તાવ છે. બીજા પ્રસ્તાવમાં આયકર મુકિત મર્યાદા વધારીને ૩ લાખ કરવાની વાત છે. સીનીયર સીટીઝન માટે ૪ લાખ અને સુપર સીનીયર સીટીઝન માટે ૬ લાખ કરવાનો પ્રસ્તાવ છે. ત્રીજા પ્રસ્તાવમાં કરદાતા માટે આયકર છુટ સીમા ર.૮૦ લાખ કરવાની વાત છે. જયારે સીનીયર સીટીઝન અને સુપર સીનીયર સીટીઝન માટે છુટની સીમામાં ૩૦,૦૦૦ રૂપિયા વધારો કરવાની વાત છે.

નાણા મંત્રાલયના સુત્રોએ જણાવ્યુ છે કે આયકર છુટમાં પ૦,૦૦૦નો વધારો કરવા પર સહમતી છે. તેના બે કારણ છે. એક તો ર૦૧૯માં લોકસભાની ચૂંટણી છે જે પહેલા મતદારોને આકર્ષવા માટે સરકાર આવુ કરી શકે છે. બીજુ કારણ એ છે કે ફેબ્રુઆરી-ર૦૧૯માં સરકારે વચગાળાનું બજેટ રજુ કરવુ પડશે જે થોડા મહિના પુરતુ હશે ત્યારે આવી છુટ આપી નહી શકાય તેમાં માત્ર અનુદાનની વાત હશે. ચૂંટણી પછી જે નવી સરકાર આવશે તે જ પુર્ણ બજેટ રજુ કરશે.

યુપીએ સરકાર વખતે પુર્વ નાણામંત્રી યશવંતસિંહાના નેતૃત્વવાળી કમીટીએ પોતાના રિપોર્ટમાં ટેકસ છુટની સીમા વધારીને પ લાખ રૂપિયા કરવાનુ સુચન કર્યુ હતુ ત્યારે ભાજપે તેનુ સમર્થન કર્યુ હતુ. પક્ષના નેતાઓએ કહ્યુ હતુ કે, જો ભાજપ સત્તા ઉપર આવશે તો ટેકસ છુટની સીમામાં વધારો કરાશે. (૩-ર)

(10:01 am IST)