Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાહુલ ગાંધીએ એવા વ્યક્તિનાં ખભે હાથ મૂકી ચાલી રહ્યા છે જેણે 20 વર્ષો સુધી ગુજરાતનો વિકાસ રૂંધ્યો : સુધાંશુ ત્રિવેદી

 ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મોરબીની દુર્ઘટના અંગે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી રાજકોટ પહોંચ્યા હતા. અહીં કમલમ ખાતે તેમણે એક પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેઓ એવા વ્યક્તિનાં ખભે હાથ મૂકી ચાલી રહ્યા છે જેણે 20 વર્ષો સુધી ગુજરાતનો વિકાસ રૂંધ્યો છે. સાથે જ મોરબી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જ્યારે તાજેતરમાં તુષાર ગાંધીએ વીર સાવરકર અંગે કરેલા નિવેદનને તેમનો અંગત વિચાર ગણાવ્યો હતો.

સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જનસંઘની સ્થાપના રાજકોટથી થઈ હતી. વડાપ્રધાન પણ પોતાની પ્રથમ ચૂંટણી અહીંથી લડ્યા હતા. સામે ભાજપે રાજકોટને ઘણું આપ્યું છે. એઇમ્સ અને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેનું ઉદાહરણ છે. પાણીની સમસ્યાઓમાંથી અહીં લોકોને કાયમી માટે મુક્તિ મળી છે. ગઈકાલે જ રાહુલ ગાંધીએ અહીં સભા કરી હતી, અને અનેક મોટી વાતો કરી હતી. પરંતુ તેઓ એવા વ્યક્તિના ખભે હાથ રાખી ચાલી રહ્યા છે કે જેમણે ગુજરાતનો વિકાસ 20 વર્ષ સુધી રુંધ્યો છે.

સાવરકર અંગે તુષાર ગાંધીના નિવેદન અંગે તેમણે કહ્યું કે, હકીકતમાં ખુદ ગાંધીજીએ વીર સાવરકર વિશે જે લખ્યું છે તેના કરતાં વિપરીત વાત તેઓ કરી રહ્યા છે. ત્યારે આ બાબતમાં તેમના અંગત વિચારોથી વધુ કોઈ તથ્ય નથી. મોરબીની દુર્ઘટના અંગે તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને જણાવ્યું હતું કે, મોરબીની જે ઘટનાથી ગુજરાત જ નહી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આ ઘટના માત્ર દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ જ નથી પણ હૃદયદ્રાવક છે અને જે પ્રકારે ત્યાં લોકો સાથે ઘટના થઈ બાળકોના મોત થયાં નિશ્ચિતપણે કોઈ પણ જોશે તો તેના મનમાં કરૂણા પણ ઉત્પન્ન થશે અને ક્ષોભ પણ ઉત્પન્ન થશે.

જોકે પણ ઘટના થયાં બાદ સરકારે તત્પરતા-સક્રિયતા સાથે કામગીરી કરી 15 મિનિટમાં બચાવ કામગીરી શરૂ કરાવી હતી. NDRFની ટીમો ટૂંક સમયમાં ત્યાં પહોંચી હતી અને વધુમાં વધુ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. મોરબી દુર્ઘટના એકમાત્ર એવી દુર્ઘટના છે કે, જેમાં ખુદ વડાપ્રધાને જિલ્લા લેવલે મુલાકાત લઈ દુર્ઘટના અંગેની સમીક્ષા કરી હતી. અને આ દુર્ઘટનામાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તેમજ જે દોષિત હશે તેની સામે ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે

(8:26 pm IST)