Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાહુલ ગાંધીના ભાષણનું ટ્રાન્‍સલેશન કરી રહેલા ભરતસિંહ સોલંકી અધવચ્‍ચે કેમ છોડયું ?

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

નવી દિલ્‍હી, તા.૨૨: ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકિ છે એવામાં તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે  ત્‍યારે કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ સુરત જિલ્લાના મહુવામાં ચૂંટણી સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીના ભાષણ સમયે તેમની સ્‍પીચને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ ભરતસિંહ સોલંકી ગુજરાતીમાં ટ્રાન્‍સલેટ કરતા જોવા મળ્‍યા હતા.

રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે હિન્‍દીમાં ભાષણ કરી રહ્યા છે અને તેમની સ્‍પીચને ભરતસિંહ સોલંકી ગુજરાતીમાં ટ્રાન્‍સલેટ કરી રહ્યા હતા. જોકે થોડાક સમય પછી ભરતસિંહ ટ્રાન્‍સલેટ અટકાવી નાખે છે અને રાહુલ ગાંધીને ટ્રાન્‍સલેટ વગર હિન્‍દીમાં જ બોલવા કહે છે. તે કહે છે કે તમે હિન્‍દીમાં બોલો લોકોને ટ્રાન્‍સલેટની જરૂરિયાત નથી.

રાહુલ ગાંધી પોતાનું ભાષણ રોકીને મંચથી લોકોને પૂછે છે કે શું હિન્‍દીમાં બોલવું ઠીક રહેશે, હિન્‍દી ચાલશે ને ? જેના પર ભીડ હા માં જવાબ આપે છે. આ પછી રાહુલ ગાંધી ભાષણ આપે છે. ટ્રાન્‍સલેટરની મદદથી પોતાની વાત રાખવા દરમિયાન રાહુલ ગાંધીનો સમય પણ વધારે જતો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ભાજપે આ મામલે આ જાહેર સભાનો વીડિયો પણ વાયરલ કર્યો છે.

(10:53 am IST)