Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઈન્ડોનેશિયામાં 5,6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપના આંચકા :61 લોકોના મોત, 700થી વધુ લોકો ઘાયલ

બીજો આંચકો 5,4ની તીવ્રતાનો નોંધાયો :ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ સુનામીની કોઈ ચેતવણી નહિ

નવી દિલ્હી : ઈન્ડોનેશિયામાં ફરીવાર ભૂકંપના આંચકાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6ની માપવામાં આવી છે. આ જોરદાર આંચકા કેટલીક સેકન્ડો સુધી અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુજરમાં જમીનથી લગભગ 10 કિલોમીટર દૂર હતું. હવામાન વિભાગે કહ્યું કે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપ એટલો ગંભીર હતો કે તેમાં અત્યાર સુધીમાં લગભગ 61 લોકોના મોત થયા છે. આ સિવાય લગભગ 700 થી વધારે લોકો ઘાયલ થયા છે.

જકાર્તામાં જ્યારે આ ભૂકંપ આવ્યો ત્યારે ઘણા લોકો પોતાની ઓફિસમાં કામ કરી રહ્યા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘણી ઇમારતો ધ્રૂજવા લાગી. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે ઈમારતોમાં રાખવામાં આવેલ ફર્નિચર પણ તેની જગ્યાએથી ખસવા લાગ્યું હતું. 22 વર્ષની એક વકીલે કહ્યું કે કેવી રીતે લોકો એટલા ગભરાઈ ગયા હતા કે તેઓ બહાર નીકળવાની શોધમાં હતા. તે જલદી બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માંગતા હતા.

આ પહેલા પશ્ચિમ ઈન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર દક્ષિણ બેંગકુલુથી 202 કિમી દક્ષિણ પશ્ચિમમાં 25 કિમીની ઊંડાઈએ હતું.

USGSએ જણાવ્યું કે આ પછી બીજો આંચકો આવ્યો, જેની તીવ્રતા 5.4 હતી. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરી નથી. યુએસજીએસએ જણાવ્યું હતું કે જાનહાની અથવા સંપત્તિના ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે.

(10:04 pm IST)