Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ભાજપના સાંસદોએ જ ગુજરાતની ભાજપ સરકારને અનેકવિધ મુદ્દે ભીંસમાં લેતા ખળભળાટ

અમદાવાદ એરપોર્ટ પર પોલીસના વ્યવહાર ખેડૂતો, બુલેટ, ટ્રેન, વગેરે મુદ્દા ઉઠાવ્યા

નવી દિલ્હી, તા.૨૨: એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં ગુજરાતના ભાજપના સાંસદોએ ગુજરાતની ભાજપ સરકારના વહીવટી તંત્ર અંગે સંસદમાં સવાલ ઉઠાવ્યા છે.

રાજયના ગૃહ વિભાગની કામગીરી સામે ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે સવાલો ઉઠાવતા ગુજરાત સરકાર ભીંસમાં મુકાઈ છે. વિદેશથી આવતા ગુજરાતીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસના વ્યવહાર, ભ્રષ્ટાચાર અને બેહુદા વર્તનને કારણે ગુજરાત અને દેશની આબરૂ લજવાયાની હૈયાવરાળ ઠાલવતા ખેડાના સાંસદે ગૃહમંત્રી પ્રદિપસિંહને પત્ર લખી આવા તત્વોને કાબુમાં રાખવા માંગણી કરી છે.

પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ, જાહેર માર્ગો ઉપર નાગરીકો સાથે અણછાજતા વર્તનને લઈને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ગૃહ વિભાગ સામે પસ્તાળ પાડી છે, સવાલો ઉભા કર્યા છે. બોરસદના ફય્ત્ પરિવારને પોલીસે હેરાન કર્યા હતા. ભાજપના સાંસદે પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગૃહમંત્રીને ઉદ્દેશીને જણાવ્યુ છે કે, અમદાવાદ એરપોર્ટ આજુબાજુ આપના વિભાગના કર્મચારીઓ દ્વારા અણછાજતા વર્તન, ભ્રષ્ટાચારની ફરીયાદો આપને પણ મળી છે. હું વિદેશ પ્રવાસમાં હતો ત્યારે મને પણ રજૂઆતો મળી છે.

ગૃહ વિભાગ કાયદો અને વ્યવસ્થાથી સરકારની શિસ્તબધ્ધ આબરૂ ઉભી કરી શકે છે પરંતુ, તેના બહાના હેઠળ ગુજરાત અને દેશને લાંછન લાગે તેવુ કૃત્યુ ઠીક નથી. તમે ગેરશિસ્ત, ભ્રષ્ટાચાર આચરી આન-શાનને નુકશાન કરતા તત્વોને કાબુમાં રાખોઙ્ખ ભાજપના દેવુસિંહે ખેડા-આણંદના ગુજરાતીઓએ પોતાના બળે ગુજરાત અને દેશનું નામ રોશન કર્યાના ઉલ્લેખ સાથે દાનના અવિરત પ્રવાહથી શિક્ષણ, આરોગ્ય અને અન્ય માળખાકિય સુવિધાઓ ઉભી કર્યાનુ સરકારને યાદ કરાવ્યુ છે.

અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જમીન સંપાદન સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધ આંદોલનો વચ્ચે હવે આણંદથી ભાજપના સાંસદે લોકસભામાં પોતાના મતક્ષેત્રના ઉદ્યોગને મોટાપાયે નુકશાન થઈ રહ્યાની રાવ નાંખી છે. સાંસદ મિતેષ પટેલે લોકસભામાં બુલેટ ટ્રેન પ્રોજેકટથી જેમની જમીનો સંપાદન હેઠળ છે એ ઉદ્યોગપતિઓને વધુ વળતર ચૂકવવા સવાલો ઉઠાવ્યા હતા. આણંદમાં ખેડૂતોને સંતોષકારક વળતર મળ્યુ છે. પરંતુ અહીં, ત્રણ મોટા કારખાના વચ્ચેથી બુલેટ ટ્રેન પસાર કરવાનું એલાઈમેન્ટ છે. જેથી આ ત્રણેય ઉદ્યોગપતિઓની જમીન, તેમની દ્વારા થતા ઉત્પાદન અને સ્થાનિક રોજગારીને મોટી મુશ્કેલી સર્જાય તેમ છે.

ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં નર્મદા જિલ્લામાં આદિવાસીઓને ભારે અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. પોતાના મતક્ષેત્રમાં પ્રાથમિક સુવિધાઓ તો દૂર રહી આદિવાસીઓના શિક્ષણ, રોજગારી માટે પણ કોઈ જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી એમ કહેતા ભારત સરકારને મધ્યસ્થી કરવા તેમણે વિનંતી કરી હતી.

ગુજરાતમાં પાકવીમા કંપનીઓ ખેડૂતોનું સાંભળતી નથી તેવી ફરિયાદ બુધવારે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે લોકસભામાં કરી હતી. બીજા દિવસે લોકસભામાં શુન્યકાળમાં બુલેટ ટ્રેનમાં જમીન સંપાદનને કારણે ગુજરાતમાં ખેડૂતોને અન્યાય થયાની રાવ આણંદના સાંસદ મિતેષ પટેલે નાંખ્યાના ગણતરીના કલાકોમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પોલીસના વર્તન સંદર્ભે ગૃહમંત્રીને ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો. અચાનક જ વિરોધના સુર ઉઠતા ઘટનાક્રમને કારણે શિસ્તબધ્ધ પાર્ટી ભાજપમાં આખો વિષય ચર્ચાસ્પદ બન્યો છે.

(10:29 am IST)