Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મોડી રાત્રે શરદ પવારના ઘરે પહોંચ્યા ઉદ્વવ ઠાકરે, સરકાર રચવાની જાહેરાત આજે!

ત્રણેય પાર્ટીઓ દ્વારા સરકાર રચવાની જાહેરાત કરવામાં આવી શકે છે

મુંબઈ, તા.૨૨ મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયત તેજ થઈ ગઈ છે. આ દરમિયાન, ગુરુવાર મોડી રાત્રે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે દીકરા આદિત્ય ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી.

આ મુલાકાત દક્ષિણ મુંબઈ સ્થિત પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પર થઈ. પવાર નવી દિલ્હીથી મુંબઈ ગુરુવાર સાંજે પરત ફર્યા બાદ ઠાકરે તેમને મળવા પહોંચ્યા. આ દરમિયાન શિવસેના નેતા અને રાજયસભા સાંસદ સંજય રાઉત અને એનસીપી નેતા અજીત પવાર પણ શરદ પવારના ઘરે ઉપસ્થિત હતા.

બેઠક એવા સમયે થઈ જયારે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે નવી દિલ્હીમાં કહ્યુ કે, તેમની પાર્ટી અને એનસીપીની વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ તમામ મુદ્દાઓ પર પૂરી સહમતિ છે અને હવે તે ગઠબંધનની સંરચનાને પૂર્ણ રૂપ આપવા માટે શિવસેના સાથે વાતચીત કરશે.

ચવ્હાણે કહ્યુ કે, આગળની વાતચીત હવે મુંબઈમાં થશે જયાં કોંગ્રેસ અને એનસીપી પોતાની સહયોગી પાર્ટીઓ સાથે વાત કરશે. સૂત્રોએ જણાવ્યું કે, ત્રણેય પાર્ટીઓ દ્વારા સરકાર રચવાની જાહેરાત શુક્રવારે કરવામાં આવી શકે છે. બીજી તરફ, શિવસેનાના એક નેતાએ કહ્યુ કે, શુક્રવારે ઉદ્ઘવ ઠાકરે પાર્ટીના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની બેઠકને સંબોધિત કરશે.

(10:26 am IST)