Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

૩૧ ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ ન થાય તો પ્રતિદિન રૂ. ૧૦૦ અને મહત્તમ ટર્નઓવરનાં ૦.૨૫% પેનલ્ટી

૧ કરોડથી વધુ કરદાતાએ પ્રથમ વખત GSTનું વાર્ષિક રિટર્ન ભરવાની પ્રક્રિયામાંથી પસાર થવાનું છે : જીએસટી વાર્ષિક રિટર્નઃ તમારી વિગતો તૈયાર રાખો

અમદાવાદ તા.૨૨: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના અમલ બાદ દેશમાં જીએસટી હેઠળ નોંધાયેલા ૧ કરોડથી વધારે કરદાતાઓએ પ્રથમ વખત જીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવાની પ્રક્રિયામાંથી પસાર થયાનું છે. જીએસટીમાં નોંધાયેલા તમામ વેપારીઓએ ૩૧ ડિસેમ્બર સુધીમાં તેમના વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા આવશ્યક છે. રૂ. કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ઓડિટેડ રિટર્ન ફાઇલ કરવાનું છે અને તેના માટેની આખરી તારીખ પણ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. ૧ જુલાઇ ૨૦૧૭થી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીના પ્રથમ વર્ષ માટે કરદાતાઓએ જીએસટી એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાનું છે. સરકારે રિટર્ન ભરવા માટેની માર્ગદર્શિકા આપી છે પરંતુ હજુ સુધી પોર્ટલ પર ફોર્મ ઉપલબ્ધ બન્યાં નથી પરંતુ વેપારીઓએ રિટર્ન માટે જરૂરી વિગતો તૈયાર રાખવી આવશ્યક છે.

જીએસટીના વાર્ષિક રિટર્નમાં અનેક વિગતો માંગવામાં આવી છે અને કરવેરા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વેપારીઓએ અત્યારથી જ આ વિગતો તૈયાર કરવી આવશ્યક છે કારણ કે જો તેઓ સમયસર આ વિગતો તેમના ટેકસ પ્રેકિટશનરને નહીં આપે તો તેમણે છેલ્લી ઘડીએ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સીએ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, ''૩૧ ડિસેમ્બર સુધીમાં તમામ વેપારીઓએ જીએસટીના વાર્ષિક રિટર્ન ફાઇલ કરી દેવા જરૂરી છે. જીએસટીનું આ પ્રથમ વાર્ષિક રિર્ટન છે અને તેમાં અનેક વિગતો માંગવામાં આવી છે. દેશમાં લગભગ ૧.૦૫ કરોડ જેટલા કરદાતા જીએસટી હેઠળ નોંધાયેલા  છે અને તેમણે ગયા નાણાંકીય વર્ષની તમમ વિગતો સાથે વાર્ષિક રિટર્ન ભરવાનું રહેશે. સાત ટકાથી ઓછા કરદાતાઓએ ઓડિટેડ રિટર્ન ભરવાનું રહેશે.''

સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ''રૂ. ર કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ઓડિટેડ રિટર્ન ફાઇલ કરવાનું છે અને જીએસટી કાયદા મુજબ માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કોસ્ટ એકાઉન્ટન્ટ્સ જ ઓડિટ કરી શકશે. આથી કરદાતાઓએ છેલ્લી ઘડીનો ઘસારો ટાળવા માટે સત્વરે પોતાની વિગતો પોતાના સીએને પહોંચાડવી આવશ્યક છે. જીએસટી વાર્ષિક ઓડિટ સમય માંગી લેતી પ્રક્રિયા છે અને જે નોંધાયેલા કરદાતા ૩૧ ડિસેમ્બર સુધીમાં વાર્ષિક રિટર્ન નહીં ભરે તેમણે પ્રતિ દિવસ રૂ. ૧૦૦ અને મહત્તમ તેમના ટર્નઓવરના ૦.રપ ટકા સુધીની પેનલ્ટી ભરવાની રહેશે.''

 જીએસટીઆર-૯: કોમ્પોઝિશન સ્કિમનો વિકલ્પ સ્વીકારનારા વેપારીઓ સિવાયના તમામ રજિસ્ટર્ડ જીએસટી કરદાતાએ આ ફોર્મ ભરવું ફરજિયાત છે.

 આ રિટર્ન જીએસટીઆઇએ ને મુજબ ફાઇલ કરવું જરૂરી છે અને ધારો કે કોઇ વ્યકિત ૧૦ રાજયોમાં રજિસ્ટ્રેશન ધરાવતી હોય તો તેણે ૧૦ જીએસટીઆર-૯ રિટર્ન ફાઇલ કરવાના રહેશે.

આ રિટર્નમાં વાર્ષિક વેચાણનું મુલ્ય અને તેનાં પર થતાં ટેકસની કિંમત, એવું વાર્ષિક વેચાણ જેના પર ટેકસ ભરવાની જવાબદારી ન થતી હોય તે રકમ (જેમ કે નિકાસ),ટેકસની ક્રેડિટની રકમ (આઇટીસી), આઇટીસી રિવર્સ કરી હોય તેની વિગત, જેના પર આઇટીસી ના મળે તે ખરીદીની રકમ, ટેકસ ભરેલી કુલ રકમ, કોઇ ડિમાન્ડ કે રિફંડ મળ્યું હોય તો તેની વિગત, કોમ્પોઝિશન ડિલર પાસેથી કરેલી ખરીદીની વિગત અને એચએેસએન કોડ પ્રમાણે ખરીદ-વેચાણની કુલ રકમ આ ફોર્મ જીએસટીઆર-૯માં ભરવાની રહેશે.

 કરદાતાએ કોઇ લેટ-ફી ભરી હોય અથવા તો લેટ-ફી ભરવાની જવાબદારી આવતી હોય તો તેની પણ વિગતો આપવાની રહેશે.

 જીએસટીઆર-૯(એ): આ ફોર્મ કોમ્પોઝિશન ડિલર્સ માટેનું વાર્ષિક રિટર્ન છે અને તેમાં નીચેની વિગતો આપવાની રહેશે.

ખરીદ-વેચાણનું મુલ્ય અને તેના પર થતો વેરો

રિવર્સ ચાર્જમાં આવતી ખરીદી

ભરેલા ટેકસની રકમ

 નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ની ખરીદી-વેચાણમાં કોઇ ફેરફારની અસર નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના કોઇ રિટર્નમાં આપી હોય તો તેની અસરની વિગત

બધી અસરોનો સમાવેશ થઇ કોઇ કર ભરવાનો આવતો હોય તો તેની રકમ

કોઇ ડિમાન્ડ કે રિફંડ મળ્યું હોય તો તેની વિગત

આઇટીસી રિવર્સ કરી હોય તેની વિગત

લેટ-ફીની જવાબદારી અને લેટ-ફી ચૂકવ્યાની રકમ

જીએસટીઆર-૯(સી): આ ઓડિટ રિપોર્ટ છે, જે રૂ. ર કરોડથી વધારે વાર્ષિક વેચાણ ધરાવતા કરદાતાઓએ ભરવાનું રહેશે.

વાર્ષિક વેચાણની વ્યાખ્યાઃ વાર્ષિક વેચાણમાં તમામ પ્રકારની આવક જેમાં માલનું વેચાણ, મિલકતની ભાડાની આવક, કમિશનની આવક અને અન્ય કોઇપણ જીએસટી કાયદામાં કરલાયક થતી આવકનો સમાવેશ થાય છે.

જીએસટીઆર-૯(સી): આ એક ફોર્મ છે જેમાં ઓડિટર ઓડિટેડ સરવૈયાના મૂલ્યો અને જીએસટીના રિટર્નમાં ગણેલા મૂલ્યોના રિકવન્સીલેશનને સર્ટિફાય કરશે.

આ ફોર્મમાં તમામ ખરીદી-વેચાણ અને કરવેરાનું રિકવન્સીલેશન છે અને અંતમાં કોઇ ટેકસ ભરવાની જવાબદારી આવતી હોય તો તેની રકમ નક્કી કરવાની જવાબદારી પણ ઓડિટરને સોંપવામાં આવી છે.

(11:55 am IST)