Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નો માસ્ક, નો એન્ટ્રી પ્રજા માટે જ ?: અધિકારીઓ પાસેથી પણ દંડ વસૂલો!!

સરકારી કચેરીઓમાં બાબુઓ માસ્કના નિયમોનું પાલન કરતા જ નથી, તંત્રના વડાઓના આંખ આડા કાન

રાજકોટ : દેશમાં કોરોના આવ્યો ત્યારથી લોકોમાં જાગૃતિ લાવવાના અનેક પ્રયાસો થતાં આવ્યા છે. પ્રધાનમંત્રી ૭ વખત દેશને સંબોધન કરી ચૂકયા છે, તેમના સંબોધનમાં દરેક વખતે દેશની જનતાને બેજવાબદાર ન બનવાની અપીલ કરવામાં આવી રહી છે, જયા સુધી દવાઈ નહીં ત્યાં સુધી ઢીલાઈ નહીં નું સૂત્ર પણ આપી ગયા, જાણીતા કલાકારો, ખેલાડીઓ, નામી, અનામી લોકોએ માસ્ક પહેરવા અંગે કેમ્પેન પણ શરૂ કર્યા છે, મોટાભાગની બજારોમાં, દુકાનોમાં પણ હવે નો માસ્ક,નો એંટ્રીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા જે લોકોએ માસ્કના ફરજિયાત નિયમોનું પાલન નથી કર્યું હોતું તેની પાસેથી તગડો દંડ પણ વસૂલે છે.

આ દંડની રકમનો હિસાબ માગવા વાળું પણ કોઈ નથી ત્યારે માસ્કના નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, બજારમાં કે જાહેરમાં કોઈ સામાન્ય માણસ માસ્ક વગર દેખાય કે તરત ત્યાં જ તેની દંડની પહોંચ ફાટે છે અને આ દંડ વસૂલતું તંત્ર જાણે દીવા તળે અંધારા જેવી સ્થિતિ કરતું હોય તેમ તેમની ઓફિસમાં જયારે જાઓ ત્યારે કોઈ અધિકારી માસ્કના નિયમનું પાલન કરેલ નથી હોતું. સામાજિક જાગૃત નાગરિકો એ આ સરકારી બાબુઓને તેમના આ બેજવાબદાર વર્તન બદલ ટકોર પણ કરે છે પરંતું જો એ સાંભળે તો તો તંત્ર શેનું?

હવે જો કે સોશિયલ મીડિયા એક સબળ મધ્યમ બનીને સામે આવ્યું છે ત્યારે કેટલાક જાગૃત નાગરિકો આવા બેજવાબદાર અધિકારોની પોલ છતીકરતાં હોય છે પરંતુ શું તંત્રના વડા આ અંગે કોઈ નક્કર પગલાં ન લઈ શકે! પ્રજા જયારે જવાબદારી સમજીને તમામ નિયમોનું પાલન કરી શકે ત્યારે નિયમ ભંગના દંડ વસુલતા અધિકારો શું માણસમાં નથી આવતા?

(4:03 pm IST)