Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

હિમાચલમાં પહાડો ઉપર બરફ વર્ષાથી ઠંડક પ્રસરીઃ ૨૫મી સુધી વરસાદની શકયતા

રાજયના અનેક વિસ્‍તારોમાં ગઇકાલે આખો દિવસ વરસાદ પડયો : બારાલાચા અને તંગલંગલામાં ૨થી ૩ ઇંચ બરફ પડયોઃ મનાલી-લેહ માર્ગ બંધ કરાયો

ધર્મશાળા તા.૨૨: હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં તાજી બરફવર્ષાથી ઠંડક પ્રસરી છે. તાપમાન નીચે આવી ગયુ છે. હવામાન વિભાગ મુજબ ૨૫મી સુધી રાજયના ઘણા ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. માનવામાં આવી રહ્યુ છે કે ૨૬મીથી ચોમાસુ પાછુ જાશે.

સતત થઇ રહેલા વરસાદના કારણે સવાર-સાંજના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન ગરમી અનુભવાય છે. હવામાન ખાતાના ડાયરેકટર સુરેન્‍દ્ર પાલ મુજબ સપ્‍ટેમ્‍બરમાં સામાન્‍ય રીતે ચોમાસું સક્રીય રહે છે. જનજાતીય ક્ષેત્રોમાં હિમપાત થવાની સંભાવના વધશે અને મધ્‍યમ તથા નીચેના ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે.

હીમાચલમાં ગઇકાલે રાજયના મોટા ભાગના વિસ્‍તારોમાં ચોમાસુ વરસ્‍યુ હતુ, જેથી એક-બે ભાગોને છોડીને પ્રદેશના મોટાભાગના મોડી સાંજે પણ હળવો વરસાદ પડેલ. જેમાં સોલાનમાં સૌથી વધુ ૪૨ મીમી, કાંગડામાં ૨૭,  ધર્મશાલામાં ૨૩, મનાલીમાં ૨૪, ચંબામાં ૨૦, ડલહૌઝીમાં ૧૪ અને શીમલામાં ૫ મીમી વરસાદ નોંધાયેલ હતો.

જયારે જનજાતીય કલ્‍પા અને કેલંગમાં પણ વરસાદ પડયો હતો. મનાલી અને આસપાસના વિસ્‍તારોમાં વરસાદ પડવાથી ઠંડકનો અનુભવ થવા લાગ્‍યો છે. ઉપરાંત શિમલા, સુંદરનગર, ભુંતર, કલ્‍પા, ધર્મશાલા, ઉના, નાહન, કેલંગ, પાલનપુર, સોલન, મનાલી, કાંગડા, મંડી અને બિલાસપુર સહિતના શહેરોમાં પારો ગગડયો હતો.

(1:35 pm IST)