Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કેરળના સુપ્રસિદ્ધ પદ્મનાભ મંદિરના ટ્રસ્ટને છેલ્લા 25 વર્ષના ખર્ચ અને આવકની વિગતો આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ : રાજવી પરિવાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય

કેરળ : કેરળના પદ્મનાભ મંદિર ટ્રસ્ટને છેલ્લા 25 વર્ષના ખર્ચ અને આવકની વિગતો આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. રાજવી પરિવાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. તથા આગામી ત્રણ મહિનામાં હિસાબો આપવા જણાવ્યું છે.

મંદિર ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને છેલ્લા 25 વર્ષની વિગતો આપવાથી મુક્તિ માંગી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સ્પષ્ટ કર્યું કે મંદિર ટ્રસ્ટને 25 વર્ષ સુધીના ખર્ચ અને આવકનું ઓડિટ કરાવવું પડશે. કોર્ટે કહ્યું કે આ ઓડિટમાં મંદિરના નાણાકીય ઓડિટ તેમજ ટ્રસ્ટનો સમાવેશ થશે. કોર્ટે ઓડિટ પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી અને નિર્ણય ગયા અઠવાડિયે અનામત રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ મંદિરની તિજોરીનું ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ મંદિર ટ્રસ્ટે ઓડિટમાંથી મુક્તિ મેળવવા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:23 pm IST)