Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ખળભળાટઃ હવસખોર ઢગાએ ૮ વર્ષના બાળકને તાબે ન થતાં પતાવી દીધોઃ લાશને કોથળામાં બાંધી ફેંકી આવ્યો

સોરઠીયા વાડી નજીક મોટા બાપુ સાથે રહેતો મુળ મધ્યપ્રદેશનો ટેણીયો વિશ્વાસ નજીકમાં બૂટ-ચપ્પલના ધંધાર્થી યુ.પી.ના ૩૪ વર્ષના શખ્સ બીટ્ટુ સાથે બીજા છોકરાઓ સાથે સુતો હતોઃ ગુરૂવારે રાત્રે બીટ્ટુ પર શૈતાન સવાર થયો ને મોઢે ડૂમો દઇ મારી નાંખ્યોઃ ગઇકાલે સવારે બાળકના મોટા બાપુ જમાલભાઇએ બીટ્ટુને વિશ્વાસ કયાં છે? તેમ પુછતાં કહ્યું-એ તો સવારે જ નીકળી ગયો છે કહી અજાણ થઇ ગયોઃ બપોર બાદ ભકિતનગર પોલીસમાં ગૂમ થયાની જાણ થઇ અને પી.આઇ. વી. કે.ગઢવી તથા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ એકદમ ઝાંખા મળેલા સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ પોટલુ લઇને નીકળતાં એ બીટ્ટુ જ હોવાની શંકાને આધારે ઉઠાવી લેવાયો અને સનસનીખેજ વિગતો બહાર આવીઃ હત્યારા બીટ્ટુ ભીવરની ધરપકડ

વિકૃતીનો ભોગ બન્યો નિર્દોષ બાળક વિશ્વાસઃ નીચેની તસ્વીરોમાં ગઇકાલે ૮ વર્ષનો વિશ્વાસ જ્યાંથી ગૂમ થયો હતો તે યુ.પી.ના શખ્સ બીટ્ટુનો બૂટ ચપ્પલનો તંબુ, અંદર બૂટ-ચપ્પલ રાત્રે હટાવીને જ્યાં બધા સુતા હતાં તે અંદરની જગ્યા તથા સવારે ઘટના સ્થળે આસપાસના રહેવાસીઓ તથા વિગતો જણાવતા રઘુભાઇ અને વિશ્વાસના કુટુંબી મોટાબાપુ જ્યાં રહે છે તે ઝૂપડા જેવી ઓરડી જોઇ શકાય છે. ઉપરની પ્રથમ તસ્વીરમાં બીટ્ટુએ હત્યા બાદ વિશ્વાસની લાશ જ્યાં ફેંકી હતી તે સ્થળે કાર્યવાહી કરી રહેલા પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, ઘનશ્યામભાઇ સહિતની ટીમ, જ્યાંથી લાશ મળી તે જગ્યા તથા હત્યાનો ભોગ બનેલા બાળક વિશ્વાસના પિતા ઇમાન બારીયા પાસેથી વિગતો મેળવી રહેલા પીેએસઆઇ ધાખડા અને રાણાભાઇ તથા ઇન્સેટમાં હત્યાનો ભોગ બનેલા વિશ્વાસનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (અહેલાલ અને આલેખનઃ ભાવેશ કુકડીયા તથા તસ્વીરો : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: શહેરમાં એક ખળભળાટ મચાવતી ઘટના બની છે. કોઠારીયા રોડ પર સોરઠીયા વાડી સર્કલ નજીક ફોૈજી ચાની હોટેલ સામે બૂટ ચપ્પલનો તંબૂ રાખી ત્યાં જ રહેતાં મુળ યુ.પી.ના બીટ્ટુ ચમનસિંગ ભીવર (ઉ.૩૪) નામના હવસખોર વિકૃત શખ્સે પોતાના તંબુમાં સુતેલા ચાર બાળકોમાંથી ૮ વર્ષના મધ્યપ્રદેશના બાળક વિશ્વાસ જમાલભાઇ બારીયા સાથે ગુરૂવારે રાત્રે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરવા પ્રયાસ કરતાં અને તેમાં આ બાળક તાબે ન થતાં તેને ટૂવાલથી મોઢે ડૂમો દઇ શ્વાસ ગુંગળાવી મારી નાંખી બાદમાં વહેલી સવારે લાશને કોથળમાં પેક કરી બાઇક પર પોટલુ રાખી ગોંડલ ચોકડીએ લાશ ફેંકી આવ્યો હતો.   એ પછી આ બાળકને તેના મોટા બાપુ શોધવા આવતાં પોતે કંઇ જાણતો ન હોવાનો ડહોળ કરી પોતે પણ તેને શોધવામાં જોડાયો હતો. મામલો ભકિતનગર પોલીસ સુધી પહોંચતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઝાંખા એવા સીસીટીવી ફૂટેજને આધારે શંકા પરથી બીટ્ટુને પોલીસે ઉઠાવી લઇ ખળભળાટ મચાવતી વિગતો ખુલી હતી. માસુમના હત્યારા હવસખોરે પોલીસ અધિકારીઓ સમક્ષ કહ્યું હતું કે-મારા ઉપર શૈતાન સવાર થઇ જતાં આમ કરી નાંખ્યું હતું!!

સમગ્ર ઘટનાની સિલસિલાબધ્ધ વિગતો જોઇએ તો મુળ મધ્યપ્રદેશના જાંબુવાના મેઘનગર તાલુકાના ગોવાલી ગામન વતની અને બે-અઢી વર્ષથી રૈયા ગામમાં નંદગાવના છાપરામાં નીલેષભાઇ કાલાવડીયાની સાઇટ પર રહેતાં ઇમાન બાબુભાઇ બારીયા (ઉ.૨૬) નામના યુવાને ગઇકાલે બપોર બાદ ભકિતનગર પોલીસ મથકે પહોંચી પોતાનો ૮ વર્ષનો પુત્ર વિશ્વાસ સોરઠીયા વાડી પાસે પવનપુત્ર ચોક ફોૈજી હોટેલ સામે આવેલા યુ.પી.ના બીટ્ટુ નામના શખ્સના બૂટ-ચપ્પલના તંબુમાંથી ગૂમ થયાની જાણ કરતાં પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે સગીર ગૂમ થવાના કિસ્સામાં તાકીદે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઇમાનનો પુત્ર વિશ્વાસ સોરઠીયાવાડી  ફોૈજી હોટેલ પાસે જ રાજુભાઇ જાદવ (કડીયા)ને ત્યાં રહી ગાયો દોહવાનું કામ કરતાં ઇમાનના કાકા જમાલભાઇ પુંજાભાઇ બારીયા સાથે સાતેક મહિનાથી રહેતો હતો અને નજીકમાં જ આવેલી સરકારી શાળામાં ધોરણ-૧માં ભણતો હતો. વિશ્વાસને ભણાવવો હોવાથી તેને ઇમાને પોતાના કાકા જમાલને ત્યાં રાખ્યો હતો. જમાલને પોતાને પણ પુત્ર છે.

જમાલે પોલીસને જણાવ્યું હતું કે પોતે જ્યાં રહે છે ત્યાં ઓરડીમાં પુરતી જગ્યા ન હોવાથી પોતાનો પુત્ર તેમજ બીજા બે છોકરા અને ઇમાનનો પુત્ર વિશ્વાસ સામેના ભાગે જ બૂટ ચપ્પલનો તંબૂ ધરાવતાં યુ.પી.ના બીટ્ટુ ભીવરને ત્યાં ત્રણેક માસથી સુવા માટે જતાં હતાં. ગુરૂવારે સાંજે પણ નિત્યક્રમ મુજબ વિશ્વાસ, અનકુ, પ્રેમ અને અજેશ ત્યાં તંબુમાં સુવા ગયા હતાં. પણ શુક્રવારે સવારે બીજા ત્રણ છોકરા ઉઠીને આવી ગયા હતાં પરંતુ વિશ્વાસ ન આવતાં આ બાબતે જમાલ બિટ્ટુને પુછવા જતાં બીટ્ટુએ વિશ્વાસને તો સવારે જ ઉઠાડીને મોકલી દીધો છે તેવું જણાવી દીધુ હતું.

જમાલે આસપાસમાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં વિશ્વાસના પિતા ઇમાનને વાત કરતાં તે રૈયા ગામથી આવ્યો હતો અને બંનેએ સાથે મળી વિશ્વાસની શોધખોળ શરૂ કરી હતી. બીટ્ટુ પોતે પણ આ શોધખોળમાં જોડાઇ ગયો હતો. મોડી બપોર સુધી પત્તો ન મળતાં અંતે પોલીસને ગૂમ થયાની જાણ કરવામાં આવી હતી. સગીર ગૂમ થવાના કિસ્સામાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, રાઇટર ઘનશ્યામભાઇ, હીરેનભાઇ, ઘનશ્યામભાઇ, રાણાભાઇ, ઇન્દુભા, પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા, સાવજુભા જાડેજા સહિતની ટીમે તપાસ આરંભી હતી.

વિશ્વાસ જેના તંબુમાં સુતો હતો તે યુ.પી.ના બીટ્ટુની પોલીસે વિસ્તૃત પુછતાછ કરી હતી. પરંતુ તેણે શુક્રવારે સવારે જ બીટ્ટુને ઉઠાડીને મોકલી દીધાનું રટણ ચાલુ રાખ્યું હતું અને પોતે કંઇ જાણતો ન હોવાનું કહ્યું હતું. વિશ્વાસની સાથે સુતેલા બીજા ત્રણ બાળકોની પણ પોલીસે પુછતાછ કરી હતી. પરંતુ આ બાળકોએ પોતે ઉંઘમાં હોઇ વિશ્વાસ કયાં ગયો? તે અંગે અજાણ હોવાનું કહ્યું હતું.

બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનો પ્રારંભ કર્યો હતો. અનેક દૂકાનોના ફૂટેજ ચેક કર્યા હતાં પણ કંઇ ફળદાયી વિગતો મળી નહોતી. બાદમાં જ્યાંથી બીટ્ટુ ગૂમ થયો એ તંબુ ફોૈજી હોટેલની સામે જ હોઇ અને હોટેલ પાસે એક ડિલકસ પાન નામની દૂકાન હોઇ તેના ફૂટેજ ચેક કરતાં પોલીસને શુક્રવારે વહેલી સવારે ૪:૪૪ કલાકે એક શખ્સ બાઇક લઇને આવતો અને બૂટ ચપ્પલના તંબુ પાસે ઉભો રહેતો દેખાયો હતો. ખુબ દૂર કેમેરો હોઇ એકદમ ઝાંખા ફૂટેજ હતાં. બાઇક ચાલક કોણ છે? એ ઓળખી શકાય તેમ નહોતું. પોલીસે આગળ ફૂટેજ જોતાં એ શખ્સ એક પોટલુ લઇ બહાર નીકળતો અને બાદમાં પોટલુ હોન્ડા પર આગળ રાખી રવાના થઇ જતો દેખાયો હતો.

આ શખ્સ કોણ હોઇ શકે? બીટ્ટુના તંબુમાં બીટ્ટુ સિવાય બીજો કોઇ આવો શખ્સ રહેતો ન હોઇ તેને જ શંકા પરથી ઉઠાવી લેવાયો હતો. પોલીસે આ શખ્સની પુછતાછ શરૂ કરતાં પહેલા તો તેણે પોતે કંઇ જાણતો જ નહિ હોવાનું રટણ કર્યુ હતું. પણ બાદમાં પોલીસે પુછતાછનો આકરો ડોઝ આપતાં જ તેણે 'મારા ઉપર શૈતાન સવાર થઇ ગયો હતો' એવું કહેતાં પોલીસને તપાસની દિશા મળી ગઇ હતી. બીટ્ટુએ પોલીસને આગળ જણાવ્યું હતું કે ગુરૂવારે રાત્રે પોતે ભાન ભુલી ગયો હતો અને તંબુમાં સુતેલા વિશ્વાસને પાછળ જ આવેલી ઓરડીમાં લઇ ગયો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવા પ્રયાસ આદર્યો હતો. પણ તે તાબે ન થતાં અને બૂમાબૂમ કરવા માંડતાં બીજા કોઇ ઉઠી ન જાય તે કારણે ટૂવાલ જેવા મોટા કપડાથી વિશ્વાસને મોઢે જોર પુર્વક ડૂમો દઇ શ્વાસ ગુંગળાવી નાંખ્યો હતો.

બીટ્ટુની આ કબુલાતથી પોલીસ ચોકંી ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓ પોલીસ કમિશ્નર મનોજકુમાર સૈની, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી બી. બી. રાઠોડને ઘટનાની જાણ કરવામાં આવી હતી. એસીપી બી. બી. રાઠોડ પણ ભકિતનગર પોલીસ મથકે દોડી આવ્યા હતાં. હત્યા બાદ વિશ્વાસની લાશ કયાં ફેંકી? તે અંગે પુછતાછ થતાં બીટ્ટુએ લાશ કોથળામાં બાંધી મિત્રના હોન્ડામાં રાખી ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ જવાના સર્વિસ રોડ પર તપસી હોટેલ સામે ફુલછોડની વચ્ચે ફેંકી આવ્યાનું કબુલતાં પોલીસે એફએસએલ તથા પોલીસના વિડીયોગ્રાફર અરવિંદભાઇને સાથે રાખી  ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં એક પોટલુ મળ્યું હતું. જે ખોલીને જોતાં થોડી ફુલાઇ ગયેલી હાલતમાં વિશ્વાસની લાશ મળી આવી હતી.

વિશ્વાસની હત્યા થયાની જાણ થતાં પિતા, મોટા બાપુ, માતા સહિતના મજૂર પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસે અપહરણ અંગે નોંધેલા ગુનામાં હત્યાની કલમ ૩૦૨ અને પુરાવાનો નાશ કરવાની કલમ ૨૦૧નો ઉમેરો કરી બીટ્ટુકુમાર ચમનસિંગ ભીવર (ઉ.૩૪)ની ધરપકડ કરી વિશેષ તપાસ યથાવત રાખી છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસે ગૂમ થયેલા વિશ્વાસને હેમખેમ શોધવા તમામ પ્રયાસો કર્યા હતાં. પણ ત્યારે કોઇને ખબર નહોતી કે વિશ્વાસને શોધવામાં છેક સુધી સાથે રહેલા હવસખોર બીટ્ટુએ જ ન કરવાનું કરી નાંખ્યું છે.

હત્યાનો ભોગ બનનાર વિશ્વાસ ત્રણ ભાઇમાં મોટો હતોઃ ભણવા માટે માતા-પિતાથી અલગ મોટા બાપુ સાથે રહેતો'તો

કોઇને કયાં ખબર હતી કે વિશ્વાસ જેને કાકા કહેતો એ બીટ્ટુ હવસખોરી સંતોષવા માટે તેનો કાળ બની જશે?!

હવસખોર બીટ્ટુએ જેની હત્યા કરી તે વિશ્વાસ (ઉ.૮) ત્રણ ભાઇમાં મોટો હતો. તેનો નાનો ભાઇ આનંદ (ઉ.૨) તથા ત્રીજો ભાઇ હજુ એક મહિનાનો જ છે. વિશ્વાસના પિતા ઇમાન બારીયા અને માતા જવીબેન રૈયા ગામમાં નિલેષભાઇ કાલાવડીયાની સાઇટ પર બે વર્ષથી રહી કડીયા કામ કરે છે. ઇમાનને પોતાના આ પુત્રને ભણાવવો હોઇ જેથી સોરઠીયા વાડી પાસે વર્ષોથી રહેતાં કુટુંબી કાકા જમાલને ત્યાં રાખ્યો હતો. સાતેક માસ પહેલા જ જમાલે પોતે જ્યાં રહે છે ત્યાં નજીકમાં આવેલી સરકારી શાળામાં તેને ધોરણ-૧માં ભણવા બેસાડ્યો હતો. જમાલનો પુત્ર તથા બીજા બે બાળકો અને વિશ્વાસ જમાલ જ્યાં રહે છે તેની સામેના ભાગે જ તંબુમા રહેતાં અને બૂટ ચપ્પલ વેંચતા બીટ્ટુના તંબુમાં સુવા જતાં હતાં. પણ કોઇને કયાં ખબર હતી કે વિશ્વાસ જેને કાકા-કાકા કરતો એ બીટ્ટુ જ તેનો કાળ બની જશે?!

બીજા છોકરા જાગી ન જાય એ માટે  વિશ્વાસને પાછળની ઓરડીમાં લઇ ગયો'તો

હવસખોર હત્યારા બીટ્ટુએ લાશને  ધાબડામાં વીંટાળી, પછી  શણના કોથળામાં નાંખી અને છેલ્લે એક સફેદ કોથળામાં પેક કરી'તી

હવસખોર હત્યારા બીટ્ટુ ચમનસિંગ ભીવર (ઉ.૩૪)ની પોલીસે ધરપકડ કરી વિશેષ પુછતાછ કરતાં ચોંકાવનારી વિગતો ખુલી હતી. બીટ્ટુએ કહ્યું હતું કે ગુરૂવારે મોડી રાતે પોતાના પર શૈતાન સવાર થઇ ગયો હતો. તંબુમાં બીજા છોકરાઓ પણ સુતા હોઇ તે જાગી ન જાય એ માટે વિશ્વાસને ઉઠાવીને તે પાછળની ઓરડીમાં લઇ ગયો હતો અને તેની સાથે હવસ સંતોષવા પ્રયાસ આદર્યો હતો. પણ તે તાબે ન થતાં અને ઝપાઝપી કરી દેકારો કરવા માંડતાં તેના નાક-મોઢા પર ટૂવાલનો ડૂમો દઇ  જોરપુર્વક દબાવી રાખતાં થોડી ક્ષણમાં જ વિશ્વાસનો શ્વાસ રૃંધાઇ ગયો હતો અને તે મોતને ભેટી ગયો હતો. એ પછી પોતે ગભરાઇ ગયો હતો અને લાશનો નિકાલ કરવાનું નક્કી કરી ધાબડામાં વીંટાળી હતી. ત્યારબાદ એક શણના કોથળામાં બાંધી પોટલા જેવુ બનાવ્યું હતું અને છેલ્લે પ્લાસ્ટીકના સફેદ મોટા થેલા જેવા કોથળામાં નાંખીને પેક કરી મોટર સાઇકલમાંરાખી ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ તરફ જતાં સર્વિસ રોડ પર ફેંકીને પરત આવીને સુઇ ગયો હતો.

બીટ્ટુની પત્નિએે અઠવાડીયા પહેલા જ દિકરીને જન્મ આપ્યો છેઃ

તે વતન ગઇ અને પાછળથી બીટ્ટુએ બીજાના લાડકવાયાનો ભોગ લઇ લીધો

હત્યારો બીટ્ટુ ભીવર મુળ યુ.પી.નો વતની છે પરંતુ ૧૯ વર્ષથી તે રાજકોટમાં જ રહે છે અને બૂટ ચપ્પલનો ધંધો કરે છે. તેની પત્નિએ હજુ અઠવાડીયા પહેલા જ દિકરીને જન્મ આપ્યો છે. તેણી હાલ ડિલીવરી કરવા વતનમાં ગઇ હોઇ પાછળથી તે એકલો તંબુમાં રહેતો હતો. વાસનાનો કીડો સળવળતાં તેણે પોતાના જ તંબુમાં સુતેલા ચાર પૈકી એક બાળકને ઉઠાવ્યો હતો અને પાછળની ઓરડીમાં લઇ જઇ ન કરવાનું કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળક તાબે ન થતાં તેનો જીવ લઇ લીધો હતો.  તેના આ કૃત્ય પર બધા ફીટકાર વરસાવી રહ્યા છે.

જમાલ કહે છે- બીટ્ટુ આવું કરી શકે એ વિચારી પણ ન શકાય...બધા છોકરાને ખુબ સાચવતો'તો

. હત્યાનો ભોગ બનેલો વિશ્વાસ જેની સાથે રહેતો હતો તે કુટુંબી મોટા બાપુ જમાલ પુંજાભાઇ બારીયાએ કહ્યું હતું કે બીટ્ટુ વિશ્વાસ સાથે આવું કરી શકે એ વિચારી શકાય તેમ પણ નથી. છેલ્લા ત્રણેક માસથી મારો પુત્ર, વિશ્વાસ તેમજ બીજા બે છોકરા બીટ્ટુ સાથે તેના તંબુમાં રાત્રે સુઇ રહેતા હતાં. તે બધાને સારી રીતે રાખતો હતો અને બધા તેને કાકા-કાકા કહેતાં હતાં. પણ આ બીટ્ટુકાકો જ વિશ્વાસનો કાળ બની જતાં સોૈ વિચારમાં મુકાઇ ગયા છે.

હત્યા કર્યા બાદ મામાને મળવા જવું  છે તેવું ખોટુ બોલી શેઠ પાસેથી બીટ્ટુ બાઇક લઇ આવ્યો'તો

હત્યા નિપજાવ્યા બાદ લાશને કોથળામાં પેક કરી નીકાલ કરવા માટે બીટ્ટુ તેના શેઠ પાસે મોડી રાત્રે ગયો હતો અને મામાને મળવા જવું છે તેમ કહી ખોટુ બોલી બાઇક લઇ આવ્યો હતો અને બાઇક પર લાશનું પોટલુ મુકી લાશ ફેંકી આવ્યો હતો.

 

(3:29 pm IST)