Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઇનકમ ટેકસ TDS વસૂલાતનો ટાર્ગેટ ૨૧ હજાર કરોડ

TDSના મુદ્દે અમદાવાદમાં બે અને સુરતમાં ત્રણ સ્થળે આયકર વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન

અમદાવાદ તા. ૨૨ : ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજયમાં મોટા પાયે સર્ચની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સાથે સાથે TDSની વસુલાત માટે પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજના દિવસે TDSના કૂલ ૯૪૨૫ કરોડ રૂપિયા જમા પણ થઇ ચુકયા છે. જયારે કર્મચારીઓના TDS કાપી સરકારી તિજોરીમાં જમા ના કરાવતા ૨૧ ડીફોલ્ટરો સામે આયકર વિભાગે પ્રોસિકયુશન ફાઇલ કરી દીધું છે. જયારે ડિપાર્ટમેન્ટની નોટિસને આધારે ૧૫૬ કંપની-પેઢીઓએ કમ્પાઉન્ડીંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જયારે TDS બાબતે અમદાવાદમાં બે અને સુરતમાં ત્રણ સ્થળે સર્ચની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. .

સીબીડીટીએ ગયા વર્ષે ગુજરાત ઇન્કમ ટેકસ વિભાગને રૂપિયા ૪૬,૮૩૮ કરોડનું ટાર્ગેટ આપ્યું હતું. જેમાં ૧૭,૭૫૦ કરોડ તો માત્ર TDSનો ટાર્ગેટ હતો. જયારે ચાલુ વર્ષે માત્ર TDSનો જ ટાર્ગેટ ૨૧,૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યો છે.

હવે ગુજરાતનું ડિપાર્ટમેન્ટ આ ટાર્ગેટ પુરુ કરવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યું છે. જે પૈકી અત્યાર સુધી રૂપિયા ૯૪૨૫ કરોડ સરકારી તિજોરીમાં જમા થઇ ચુકયા છે. બાકી ટાર્ગેટ પૂરુ કરવા માટે TDS સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કંપનીઓ TDS તાકીદે સરકારી તિજોરીમાં જમા કરાવી દે તેનો પ્રચાર પ્રસાર પણ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ દ્વારા સેમિનાર અને ગ્રૂપ મિટીંગના આયોજન કરવામાં આવી રહ્યા છે.

આયકર વિભાગમાંથી જાણવા મળતી માહિતી મુજબ ગત વર્ષે સપ્ટેમ્બર માસ સુધીમાં TDSનુંકલેકશન ૮,૨૩૩ કરોડ થયું હતું. જયારે ચાલુ વર્ષે સપ્ટેમ્બમાં ૯,૪૨૫ કરોડનું કલેકશન થઇ ગયું છે.(૨૧.૬)

રિટર્નનું TDS રિફંડ ન મળે તો તરત જ ડિપાર્ટમેન્ટને પત્ર લખો

કર્મચારીના પગારમાંથી કપાતો TDS ઘણી વખત કંપની કે પેઢીઓ સરકારી તિજોરીમાં જમા કરાવતા નથી. હવે જયારે કર્મચારી ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ કરે. અને તે TDS રિફંડ માટે કલેમ કરે અને TDS ન મળે ત્યારે તેને ખબર પડે કે કંપનીએ TDS સરકારી તિજોરીમાં જમા કરાવ્યું નથી. આવા સંજોગોમાં જે તે કર્મચારી સીધો જ ઇનકમ ટેકસના TDS વિભાગમાં પત્ર લખી શકે છે. કર્મચારીના પત્રના આધારે તરત જ પગલાં લેવાશે.

ઓપરેશન કલીન મની, બેનામી પ્રોપર્ટી ઉપર ખાસ ધ્યાન અપાશે

સીબીડીટીએ અધિકારીઓને બેનામી પ્રોપર્ટી શોધી, ટાંચમાં લેવાની કે તેના ઉપર ટેકસ વસુલ કરવાની ખાસ સુચના આપી હતી. આયકર વિભાગે બેનામી પ્રોપર્ટી શોધવા માટે ખાસ ટીમની રચના કરી છે. જે ટીમે ગુજરાતમાંથી કરોડો રૂપિયાની મિલકતો શોધી તેની સામે કાનુની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સાથે સાથે ઓપરેશન કલીન મની અંતર્ગત નોટબંધી વખતે જે સુષુપ્ત એકાઉન્ટસમાં લાખો રૂપિયા જમા થઇ ગયા હતા. તેવા લાખો એકાઉન્ટસની વિગતો આયકર વિભાગ પાસે તૈયાર છે. આ ખાતાઓમાં કરોડો રૂપિયાના મલ્ટી ટ્રાન્જેકશન સાથે ખેલ થયા હતા. જેની પણ તપાસ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

 

(11:55 am IST)