Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

નવરાત્રિના પ્રથમ દિવસે 'શૌચાલય પૂજા'

અલીગઢ જિલ્લા પ્રશાસનનો નિર્ણય વિવાદમાં : હિન્દુ મહાસભા લાલઘુમ

અલીગઢ તા. ૨૨ : ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લા પ્રશાસનનો એક નિર્ણય વિવાદોમાં આવી ગયો છે. હકીકતમાં જિલ્લા પ્રશાસન ઈચ્છે છે કે નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે ૧૦ ઓકટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયની પૂજા કરવામાં આવે. હિંદુ મહાસભાએ આના પર આપત્તિ વ્યકત કરતા જિલ્લા પ્રશાસનને મેમોરેન્ડમ આપીને આ નિર્ણય પાછો ખેંચી લેવાની માગણી કરી છે.

હિંદુ મહાસભાએ માગણી કરી છે કે ટોઈલેટ પૂજા ૨ ઓકટોબર અથવા ૨૬ જાન્યુઆરીના રોજ કરવામાં આવે અને આને ધાર્મિક પ્રસંગો સાથે ન જોડવામાં આવે. હિંદુ મહાસભાના હરિશંકર શર્માએ જણાવ્યું કે આ એક સામાજિક કાર્ય છે અને આને ધર્મ સાથે ન જોડવું જોઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે આ પ્રકારની પૂજા કરવાથી હિંદિઓની ભાવનાને ઠોકર લાગશે.

મીડિયા સાથે વાત કરતા હિંદિ મહાસભાના અશોક કુમાર પાંડેએ જણાવ્યું કે અમે આનો વિરોધ એટલા માટે કરી રહ્યાં છે કારણકે નવરાત્રિના પ્રથમ દિવસે આ પ્રકારની પૂજા કરવાથી હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચશે. જો પ્રશાસન આમ જ કરવા માંગે છે કે અન્ય ધર્મોને પૂછે અને તેમના તહેવારો પર આ કાર્ય કરે. અશોકે એ પણ જણાવ્યું કે પ્રશાસને આ ઈવેન્ટ કેન્સલ કરીને આ મામલે માફી માંગવી જોઈએ. તેમણે એ પણ જણાવ્યું કે અમે આ મામલાને લઈને મુખ્યપ્રધાન પાસે જઈશું. નવરાત્રિ પવિત્ર તહેવાર છે અને નવરાત્રી એ દેવી દુર્ગાનો તહેવાર છે અને આવા અવસર પર આ પ્રકારના કાર્યક્રમો અમને સ્વીકાર્ય નથી.

અલીગઢના જિલ્લા અધિકારી સીબી સિંહે જણાવ્યું અમારો ઉદ્દેશ્ય લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનો છે. જેનાથી ટોઈલેટને લોકો મહત્વપૂર્ણ સમજે અને તેનું સન્માન કરે. પ્રાપ્ત વિગતો અનુસાર ૯૦૨ ગ્રામ પંચાયતોના ૧૦૦૦ ગામડાઓ માટે પ્રશાસને નોડલ ઓફિસર તહેનાત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે જો હિંદુઓના પવિત્ર તહેવાર નવરાત્રિમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય તો હિંદિઓની ધાર્મિક લાગણી દુભાય. નવરાત્રિ હિંદુઓનો સૌથી મહત્વનો અને પવિત્ર ધાર્મિક તહેવાર છે. ત્યારે અલીગઢ જિલ્લા પ્રશાસન પાસે હિંદુ મહાસભાએ માંગણી કરી છે કે નવરાત્રિમાં આ પ્રકારના કાર્યક્રમ ન થવા જોઈએ.(૨૧.૫)

(11:54 am IST)