Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

યુપીમાં મોદીની લોકપ્રિયતામાં ઘટાડો

સર્વેમાં ૫૦ ટકા લોકોએ પણ મોદીને પીએમ તરીકે પસંદ ન કર્યાઃ મોદીને ૪૮ ટકા લોકોએ પસંદ કર્યાઃ મ. પ્રદેશમાં ૫૬ ટકા, છત્તીસગઢમાં ૫૯ ટકા, રાજસ્થાનમાં ૫૭ ટકા મત મળ્યા

નવી દિલ્હી, તા. ૨૨ :. વડાપ્રધાન નરેન્દ્રભાઈની લોકપ્રિયતા ઉત્તર પ્રદેશમાં ચાલુ જ છે. ઈન્ડીયા ટુડે ગ્રુપ અને એકસીસ માય ઈન્ડીયા દ્વારા કરાવાયેલ પોલીટીકલ સ્ટોક એક્ષચેન્જ સર્વે અનુસાર રાજ્યમાં મોદીને વડાપ્રધાન તરીકે ૪૮ ટકા લોકો પસંદ કરે છે અને ૨૦૧૯માં આવતા વડાપ્રધાન તરીકે જોવા માગે છે.

નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં પોતાની સંસદીય બેઠક હોવા છતા નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકેની પસંદગી રૂપે પીએસઈ સર્વેમાં ૫૦ ટકા સમર્થન મેળવવામાં અસફળ રહ્યા. મધ્ય પ્રદેશમાં આવતા વડાપ્રધાન તરીકે તેમને ૫૬ ટકા લોકોનું સમર્થન મળ્યું હતું. બનારસ નરેન્દ્રભાઈનો સંસદીય મત વિસ્તાર છે.

આવતા પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈને મધ્ય પ્રદેશમાં ૫૬ ટકા, છત્તીસગઢમાં ૫૯ ટકા, રાજસ્થાનમાં ૫૭ અને કર્ણાટકમાં ૫૫ ટકા મત મળ્યા હતા. અત્યાર સુધીમાં ૭ રાજ્યોમાંથી   સર્વેના   પરિણામ આવી ચૂકયા છે.

ઈન્ડીયા ટુડે-એકસીસ માય ઈન્ડીયા પીએસઈ સર્વે ઉત્તર પ્રદેશના ૮૦ સંસદીય મત વિસ્તારમાં ટેલીફોનીક ઈન્ટરવ્યુ ઉપર આધારીત છે. ઉત્તર પ્રદેશ માટે સર્વેમાં કુલ ૩૦૪૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ સર્વે ૧૫ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન કરાયો હતો.

સર્વેમાં મોદી સિવાય કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની જનતાએ, આવતા પ્રધાન મંત્રી માટે ૨૨ ટકા મત આપ્યા છે. જ્યારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને ૭ ટકા અને માયાવતીને ૯ ટકા મત મળ્યા છે.

રાજ્યમાં મોદી સરકારની કામગીરી બાબતે કરાયેલ સર્વેમાં ૫૧ ટકા લોકોને સંતોષ છે પણ ૧૬ ટકા લોકોએ તેની કામગીરીને ઠીક ઠીક જણાવી જ્યારે ૨૮ ટકા લોકોને અસંતોષ છે.

ઉત્તર પ્રદેશના આવતા મુખ્ય પ્રધાન તરીકે ૪૩ ટકા લોકોએ યોગી આદિત્યનાથને, ૨૯ ટકા લોકોએ અખિલેશ યાદવને, જ્યારે ૧૮ ટકા લોકોએ માયાવતીને સાથ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની કામગીરીથી ૪૧ ટકા લોકો અસંતુષ્ઠ છે. ૨૦ ટકા લોકો ઠીક ઠીક ગણે છે જ્યારે ૩૭ ટકા લોકો નારાજ છે.

રાજ્યમાં સપા-બસપા ગઠબંધનથી ભાજપાને થનાર નુકશાન બાબતે કરાવાયેલ સર્વેમાં ૪૭ ટકા લોકો માને છે કે, ભાજપા પર આની અસર પડશે જ્યારે ૩૨ ટકા લોકોને એવુ નથી લાગતુ અને બાકીના ૨૧ ટકા લોકોને ખબર નથી.

કોંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધી રાફેલ સોદાના મામલે સતત કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયત્નો કરે છે પણ સર્વેમાં ૭૯ ટકા લોકોને આ બાબતની જાણકારી જ નથી. જે મતદારોને રાફેલ સોદા વિશે જાણકારી છે તેમાંથી ૮૨ ટકા લોકોને કહેવુ છે કે કેન્દ્ર સરકારે આ માહિતી જાહેર ન કરવી જોઈએ.(૨-૨)

(11:51 am IST)