Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મોંઘા પેટ્રોલની સાથે હવે પેટ્રોલ પંપ પર મળતુ થોડુ ડિસ્કાઉન્ટ પણ થશે ખતમ!

૪.૫ કરોડ લોકો રોજ ૧૮૦૦ કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડિઝલ ખરીદે છે

નવી દિલ્હી તા. ૨૨ : પેટ્રોલ પંપ પર ડિઝિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી કેશ બેક યોજનાને હવે ખતમ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) આ ડિસ્કાઉન્ટ ઓછુ કરવાની યોજના બનાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીઓ આ સ્કીમને અગામી ફાયનાન્સિયલ વર્ષ (૨૦૧૮-૧૯)થી આગળ વધારવા નથી માંગતી. જોકે, હજુ આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.  પેટ્રોલ-ડિઝલ ભરાવ્યા બાદ ડિઝિટલ ચૂકવણી પર હવે ૦.૭૫ ટકા છૂટ મળે છે.

કંપનીઓએ ફાયનાન્શિયર વર્ષ ૨૦૧૭-૧૮માં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કુલ ૧૧૬૫ કરોડ રૂપિયા ઈ-પેમેન્ટ પર મળતા ડિસ્કાઉન્ટ તરીકે ખર્ચ કર્યા. સાથે ૨૬૬ કરોડ રૂપિયા એમડીઆર ટેક્ષ તરીકે બેંકને ચૂકવ્યા.

આ રીતે કંપનીઓએ કુલ ૧૪૩૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ વર્ષે આ આંકડો ૨૦૦૦ કરોડ રૂપિયાને પાર જઈ શકે છે. જેથી કંપનીઓ ડિસ્કાઉન્ટ યોજનાને ખતમ કરવાનું પ્લાનિંગ બનાવી રહી છે.

કયારે શરૂ થઈ હતી યોજના - પ્રધાનમંત્રી મોદીએ આઠ નવેમ્બર ૨૦૧૬ના રોજ તે સમયે ચલણમાં રહેલી રૂ. ૫૦૦-૧૦૦ની નોટ પાછી લેવાની જાહેરાત કરી હતી. તેના એક મહિના બાદ ડિઝિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે કેટલીએ પ્રકારની છૂટ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, ૪.૫ કરોડ લોકો રોજ ૧૮૦૦ કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડિઝલ ખરીદે છે.

નોટબંધી બાદ એક મહિનામાં ડિઝિટલ ચૂકવણી બે-ઘણી થઈ ૪૦ ટકા થઈ ગઈ હતી. જોકે, બાદમાં એ જોવામાં આવ્યું કે, અર્થવ્યવસ્થામાં રોકડ આવવાની સાથે ડિઝિટલ ચૂકવણી પણ ઓછી થઈ ગઈ છે.(૨૧.૪)

(11:47 am IST)