Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ભારતની ઉંચી છલાંગ...૧૦ વર્ષમાં ૨૭ કરોડ લોકો ગરીબીમાંથી બહાર

યુનોનો રીપોર્ટઃ ભારતમાં સૌથી વધુ આદિવાસી અને મુસ્લિમો ગરીબીમાંથી બહાર નીકળી ગયાઃ ભારતમાં ગરીબીનો દર લગભગ અડધો થઈ ગયોઃ ૫૫ ટકામાંથી ૨૮ ટકા થયોઃ ૧૦ વર્ષમાં ભારતે ઈન્ડોનેશિયાની જેટલી વસ્તી છે તેટલી વસ્તીને ગરીબીમાંથી બહાર કાઢયાઃ જો કે હજુ ૩૬ કરોડથી વધુ લોકો ગરીબી હેઠળઃ બિહાર, ઝારખંડ, યુપી અને એમપીમાં સૌથી વધુ ૧૯.૬ કરોડ ગરીબો રહે છેઃ દિલ્હી, કેરળ અને ગોવામાં ગરીબોની સંખ્યા ઓછી

નવી દિલ્હી, તા. ૨૨ :. ગરીબી ભારતની એક મોટી સમસ્યા છે. દેશની રાજનીતિ પણ ગરીબીની આસપાસ ઘુમતી નજરે પડે છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના રીપોર્ટ અનુસાર ભારતે ગરીબી દૂર થવાની દિશામાં એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં લગભગ ૨૭ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારતમાં ગરીબી ઘટવાનો દર સૌથી વધુ બાળકો, ગરીબ રાજ્યો, આદિવાસીઓ અને મુસ્લિમો વચ્ચે રહ્યો છે. ભારતે પોતાના લોકોને ગરીબીના ખપ્પરમાંથી બહાર કાઢવાની દિશામાં મોટી છલાંગ લગાવી છે. ૨૦૦૫-૦૬થી લઈને ૨૦૧૫-૧૬ વચ્ચે (૧૦ વર્ષમાં) ગરીબી દર ઘટીને અડધો રહી ગયો છે. ગરીબી દર પહેલા ૫૫ ટકા હતો જે હવે ૨૮ ટકા રહી ગયો છે. તમને જણાવી દઈએ કે ગરીબીના ઈન્ડેક્ષમાં માત્ર આવક જ નહી શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણ જેવા ૧૦ ઈન્ડીકેટર્સ પણ સામેલ કરવામાં આવતા હોય છે. ૧૦ વર્ષ દરમિયાન ૨૭.૧ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જો કે રાજ્યોની વચ્ચે ઘણુ અંતર જોવા મળે છે. કેરળે જોરદાર દેખાવ કર્યો છે પરંતુ બિહાર જેવા કેટલાક રાજ્યોએ સંઘર્ષ કરવાનો છે.

૨૦૦૫-૦૬માં દેશમાં ગરીબોની સંખ્યા ૬૩.૫ કરોડ હતી જે ૨૦૧૫-૧૬ સુધી ઘટીને ૩૬.૪ કરોડ રહી ગઈ છે. ખાસ વાત એ છે કે ૨૭.૧ કરોડ લોકો ગરીબીની ચૂંગાલમાંથી બહાર આવ્યા છે અને આ આંકડો ઈન્ડોનેશીયાની કુલ વસ્તીથી પણ વધુ છે.

મહત્વની વાત એ છે કે મુસ્લિમ, દલીત અને એસટી કેટેગરીના લોકોએ આ ક્રમમાં સૌથી વધુ વિકાસ કર્યો છે. યુનોના રીપોર્ટ અનુસાર છેલ્લા ૧ દાયકામાં ભારતમાં ઝડપથી ઘટી રહેલી ગરીબીનો મહત્વનો ટ્રેન્ડ એ પણ રહ્યો છે કે સમાજના સૌથી વધુ ગરીબની સ્થિતિ પણ સુધરી છે. જો કે ગરીબીનો આંકડો ઘટયો છે પરંતુ ભારતમાં હજુ પણ વિશ્વના સૌથી વધુ ગરીબો રહે છે અને તે અમેરીકાના વસ્તીથી વધુ છે.

ભારતમાં રહેતા કુલ ગરીબોમાંથી અડધા એટલે કે ૧૯.૬ કરોડ લોકો ફકત ચાર રાજ્યો બિહાર, ઝારખંડ, યુપી અને મધ્યપ્રદેશના છે. દિલ્હી, કેરળ અને ગોવામાં તેઓની સંખ્યા સૌથી ઓછી છે. ૪૧ ટકા ભારતીય બાળકો કે ૧૦ વર્ષથી ઓછી ઉંમરના દર ૫ માંથી ૨ બાળકો દરેક પ્રકારે ગરીબ છે, તો ચોથા ભાગના એટલે કે ૨૪ ટકા વ્યસ્ક એટલે કે ૧૮ થી ૬૦ વર્ષના ગરીબ લોકો છે.

યુનોના વિકાસ કાર્યક્રમના રીપોર્ટ અનુસાર ભારતે ગરીબી ઘટાડવાની દિશામાં મોટી સફળતા મેળવી છે. છેલ્લા માનવ વિકાસ સૂચકાંકમા ભારત ૧૮૯ દેશોમાં એક સ્થાન પર આવીને ૧૩૦મા સ્થાને પહોંચ્યુ છે. જો કે હજુ પણ ૩૬ કરોડથી વધુ લોકો કોઈને કોઈ પ્રકારે ગરીબીમાં છે. રીપોર્ટ અનુસાર ભારતમાં ૧૯૯૦થી ૨૦૧૭ વચ્ચે પ્રતિ વ્યકિત આવકમાં ૨૬૬.૬ ટકાનો વધારો થયો છે. ભારતની ક્રય ક્ષમતાના આધાર પર સરેરાશ આવક લગભગ ૪.૫૫ લાખ પહોંચી છે જે ગયા વર્ષથી ૨૩૪૭૦ રૂપિયા વધુ છે.(૨-૪)

(11:45 am IST)