Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કુલભૂષણને ફાંસી કરાશે કે કેમ તે અંગે ફેબ્રુઆરીમાં સુનાવણી

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુનાવણી કરશે : હાલ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો ફાંસી ઉપર સ્ટે

ઇસ્લામાબાદ, તા. ૨૨ : કુલભૂષણ જાધવને ફાંસી થશે કે કેમ તે અંગેનો ફેંસલો ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કુલભૂષણ જાધવના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીમાં એક સપ્તાહ સુધી આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કુલભૂષણ જાધવને પાકિસ્તાનની લશ્કરી અદાલતે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જાસુસીના મામલામાં ફાંસીની સજા ફટકારી હતી. ભારત તરફથી આ મામલાને ઉઠાવ્યા બાદ કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી ઉપર સ્ટે મુકી દીધો હતો. પાકિસ્તાનનો દાવો છે કે તેમના સુરક્ષા જવાનોએ જાધવને માર્ચ ૨૦૧૬માં બલુચિસ્તાન પ્રાંતથી પકડી પાડ્યો હતો. પાકિસ્તાનનું કહેવું છે કે, કુલભૂષણ ઇરાનથી પાકિસ્તાન ઘુસી ગયો હતો. ભારતે આ તમામ દાવાઓને રદિયો આપ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં ભારત તરફથી આ મામલાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઉઠાવવામાં આવ્યો હતો. કુલભુષણને ફાંસીના ફેંસલા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સુનાવણી કરવામાં આવ્યા બાદ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ફાંસીની સજા ઉપર સ્ટે મુકી દીધો હતો. સુત્રોએ કહ્યું છે કે, આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક સપ્તાહ સુધી સુનાવણી કરવામાં આવશે. ત્યારબાદ ચુકાદો આપવામાં આવશે. પાકિસ્તાને દાવો કર્યો છે કે, કુલભૂષણ કોઇ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ જાસુસી અને તબાહી ફેલાવવાના ઇરાદા સાથે પાકિસ્તાનમાં ઘુસ્યો હતો. પાકિસ્તાનની કેટલીક દલીલોને ફગાવી દેવામાં આવી છે પરંતુ પાકિસ્તાન ગુપ્તરીતે નીતિનિયમોનો ભંગ કરીને ફાંસી આપી દે તેવી દહેશત રહેલી છે.

 

(7:54 pm IST)