Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

દેશમાં કોરોનાના ચેપગ્રસ્તોનો આંક ૧૨ લાખ ઉપર પહોંચ્યો

દેશમાં હાલ કોવિડ-૧૯ના ૪.૧૧ લાખ એક્ટિવ કેસ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૭૨૪ નવા દર્દી નોંધાયા, ૬૪૮ લોકોએ જીવ ગુમાવ્યો : કુલ ૨૮૭૩૨ મોત થયા

નવી દિલ્હી, તા. ૨૨ : દેશના મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ ધીમા પગલે બેકાબૂ થઈ રહ્યો છે. એથી દરરોજ નોંધાતા દર્દીઓના આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. એટલું જ નહીં કોવિડ-૧૯ના કુલ દર્દીઓની સંખ્યા ૧૨ લાખ પર પહોંચી ચૂકી છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૭૨૪ નવા દર્દીઓ નોંધાયા છે અને ૬૪૮ લોકોના મોત થયા છે. તેની સાથે બુધવારે સવારે જ દેશમાં કોરોનાના કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૧૧,૯૨,૯૧૫ પર પહોંચી ચૂકી હતી. જેમાંથી ૪,૧૧,૧૩૩ એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં ખતરનાક વાયરસના ચેપથી કુલ ૨૮,૭૩૨ દર્દીઓના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં મહામારીને મ્હાત કરનારાઓની સંખ્યા ૭,૫૩,૦૫૦ છે. દેશમાં હાલ રિકવરી રેટ ૬૩.૧૨ ટકા પર જોવા મળી રહ્યો છે. તો બીજીબાજુ પોઝીટીવિટી રેટ ૧૦.૯૯ ટકા છે.

                   એટલે કે જેટલા પણ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. તેમાંથી ૧૦.૯૯ ટકા સેમ્પલ પોઝીટીવ મળી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ મુજબ, ભારતમાં ૨૧મી જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ ૧,૪૭,૨૪,૫૪૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મંગળવારે એક દિવસમાં ૩,૪૩,૨૪૩ ટેસ્ટિંગ કરાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા હાલ પોઝીટીવિટી રેટ ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે. મંત્રાલયના અધિકારી રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ પોઝીટીવિટી રેટ ૫ ટકા સુધી નીચે લઈ જવાનો જ અમારું અંતિમ લક્ષ્ય છે. તેમણે વધુમાં જણાવ્યુ કે ભારતમાં આજે પણ ૧૦ લાખની જનસંખ્યા પર કોરોનાના કેસોની સંખ્યા ૮૩૭ની છે, જે વિશ્વના અન્ય મોટા દેશોની તુલનામાં ખુબ જ ઓછી છે. દેશભરમાં મહારાષ્ટ્ર રાજ્યમાં જ વધુ એકવાર વિતેલા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં ૮,૩૩૬ નવા કેસ નોંધાયા છે અને ૨૪૬ લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના ચેપગ્રસ્તોનો આંક ૩,૨૭,૦૩૧ થઈ ગયો છે. તેમાંથી ૧,૩૨,૫૩૮ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૨૭૬ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧.૮૨ લાખ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

(9:51 pm IST)