Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કોરોનાના બહાને ભારતીય વિસ્તારો પર કબજો કરવા ઈચ્છે છે ચીન

અમેરિકાનો સનસનીખેજ આરોપઃ ચીનના વલણ અંગે ચિંતા દર્શાવી

વોશિંગ્ટન, તા.૨૨: અમેરિકાએ ભારત સામે ચીનની આક્રમકતાની ટીકા કરતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં નેશનલ ડિફેન્સ ઓથરાઈઝેશન એકટમાં સંશોધન એકમતે પસાર કરી દીધું છે. ગત મહિને લદાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ અને દક્ષિણ ચીન સાગરને લઈને અમેરિકા ચીનની સતત ટીકા કરી રહ્યું છે. તેમાં ચીનના વલણ પર ચિંતા વ્યકત કરાઈ છે અને આરોપ લગાવાયો છે કે, ચીન કોરોના મહામારીના બહાને ભારતના ક્ષેત્ર પર કબજો કરવા ઈચ્છતું હતું.

NDAA સંશોધન ભારતીય-અમેરિકન સાંસદ અમી બેરા અને કોંગ્રેસમેન સ્ટી શેબટ સોમવારે લઈને આવ્યા હતા. તે મુજબ, ભારત અને ચીનને વાસ્તવિક નિયંત્રણ પર તણાવ ઓછો કરવા માટે કામ કરવું જોઈએ. સંશોધનમાં કહેવાયું છે કે, દક્ષિણ ચીન સાગર, LAC અને સેકાકૂ ટાપુ વિવાદિત ક્ષેત્રોની આસપાસ ચીનનો વિસ્તારવાદ અને આક્રમકતા ચિંતાનો વિષય છે. અમેરિકાની સંસદ કોંગ્રેસે ભારત-ચીન સરહદ પર ગલવાન દ્યાટીમાં ચીનની આક્રમકતાનો વિરોધ કર્યો છે અને ચીનના વધતા ક્ષેત્રીય વલણ પર ચિંતા વ્યકત કરી છે. તેમાં કહેવાયું છે કે, ચીને કોરોના વાયરસનું બહાનું બનાવી ભારતના ક્ષેત્ર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે અને દક્ષિણ ચીન સાગરમાં પણ દાવો કર્યો છે.

સંસદમાં સ્ટીવે નિવેદન આપ્યું છે કે, ભારત ઈન્ડો-પેસિફિકમાં એક મહત્વનું લોકશાહી પાર્ટનર છે. તેમણે કહ્યું કે, 'હું ભારતનું સમર્થન કરું છું અને આપણા દ્વિપક્ષીય સંબધોનું સમર્થન કરું છું. સાથે જ એ ક્ષત્રીય સહયોગીઓની સથે પણ ઊભો છું, જે ચીનની આક્રમકતાનો સામનો કરી રહ્યા છે.' સંશોધનમાં કહેવાયું છે કે, ૧૫ જૂન સુધી ચીને LAC પર ૫ હજાર સૈનિક તૈનાત કર્યા અને ૧૯૬૨ પછી ભારતની જમીન જાહેર કરાયેલા ક્ષેત્ર પર વિવાદ હોવા છતાં તેમાં પ્રવેશ કર્યો.

અમેરિકામાં આ સંશોધન એવા સમયે લાગુ કરાયું છે, જયારે સોમવારે જ અમેરિકા અને ભારતની નેવીએ સંયુકત યુદ્ઘાભ્યાસ કર્યો. તેમાં ચીનને અમેરિકા-ભારતના સહયોગને લઈને સંદેશ આપવા ઉપરાંત અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે સીધે-સીધું ચીન પર નિશાન સાધ્યું છે. તેમણે ભારતની સાથે પોતાના સંરક્ષણ સંબંધોને '૨૧મી સદીમાં સૌથી મહત્વના સંબધોમાંથી એક' જણાવ્યા છે અને ચીનની સેનાને ક્ષેત્રમાં અસ્થિરતા ફેલાવવા માટે જવાબદાર જણાવી છે.

(10:18 am IST)