Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શ્રીનગરમાં સર્વપક્ષીય બેઠકમાં વિવિધ પાસા પર વિસ્તૃત ચર્ચા

રાજ્યપાલ શાસન આવ્યા બાદ પરિસ્થિતિ પર ચર્ચા : ભાજપ, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સહિતના તમામ ક્ષેત્રિય પક્ષોના નેતાઓ ઉપસ્થિત : જટિલ મુદ્દાઓ ચર્ચાયા

શ્રીનગર, તા.૨૨ : જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એનએન વોરાએ આજે શ્રીનગરમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી જેમાં તમામ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઉભી થયેલી પરિસ્થિતિ ઉપર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં અમલી કરવામાં આવેલા રાજ્યપાલ શાસન બાદની સુરક્ષા પરિસ્થિતિ ઉપર ચર્ચા થઇ હતી. સર્વપક્ષીય મિટિંગમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, જમ્મુ કાશ્મીર કોંગ્રેસના વડા જીએ મીર, ભાજપના સત શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગ રાજ્યપાલ વોરાના આવાસ ઉપર યોજવામાં આવી હતી. બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે સ્થિતિ વણસી ચુકી છે. છ વર્ષની વિધાનસભાની અવધિ માર્ચ ૨૦૨૧માં પૂર્ણ થનાર હતી પરંતુ બુધવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યુ ંહતું. આના એક દિવસ પહેલા જ ભાજપ અને પીડીપી ગઠબંધન સરકારનું પતન થયું હતું. વ્યાપક રાષ્ટ્રીય હિતોના કારણ આપીને ક્ષેત્રિય પાર્ટી સાથે ભાજપે છેડો ફાડી લીધો હતો. ખરાબ થઇ રહેલી સુરક્ષા પરિસ્થિતિનો મુદ્દો  પણ ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યપાલ શાસન અમલી કરવામાં આવ્યા બાદ સુરક્ષા પાસા ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વોરાની અવધિ પણ ૨૫મી જૂનના દિવસે પુરી થઇ રહી છે પરંતુ વધુ આદેશ સુધી તેઓ હોદ્દા પર જારી રહી શકે છે. રાજ્યની સ્થિતિથી વધારે વાકેફ રહેલા ઘણા પૂર્વ પ્રધાનો પણ ફરી સક્રિય થઇ ગયા છે. ૧૯૫૯ની બેચના પંજાબ કેડર આઈએએસ ઓફિસર કેન્દ્ર સરકારની ફરી એકવાર પસંદગી બની છે. તેમને જમ્મુ કાશ્મીરની જવાબદારી માટે મોકલવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ પડકારરૂપ બની શકે છે કારણ કે, અમરનાથ યાત્રા શરૃ થઇ રહી છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીરીયત, ઇન્સાનિયત અને જમુરિયતની વાત કરી હતી.

હાલના દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વણસી ગઈ હતી અને પથ્થરમારાના બનાવો તથા આતંકવાદી ઘટનાઓ વધી હતી ઉપરાંત સરહદ પર ફરીથી ગોળીબારના બનાવ પણ વધી ગયા હતા. ૨૦૦૮, ૨૦૧૪ અને ૨૦૧૬ તેમજ ૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન આવ્યું છે.

 

(9:12 pm IST)