Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શું કસ્ટડીમાં રહેલા આરોપીને પોલીસ માર મારી શકે? શું કહે છે કાયદો?

ગેરકાયદે અટકાયત કરીને પણ કરાય છે ટોર્ચરઃ જબરજસ્તી કબુલાત કરાવવા પણ થાય છે ટોર્ચર : પોલીસ પાસે ટોર્ચર કરવાનો કોઇ પાવર નથી

નવી દિલ્હી તા. ૨૨ : પોલીસના મારથી ભલભલા ડરતા હોય છે, અને કયારેક પોલીસ પોતાને મળેલા પાવરનો દુરુપયોગ પણ કરતી હોય છે, જેના ઘણા કિસ્સા આપણી સામે અવારનવાર આવતા રહે છે. તેવામાં પોલીસ પાસે પોતાની કસ્ટડીમાં રહેલા આરોપીને માર મારવાનો કોઈ અધિકાર છે કે કેમ તે જાણવું કોઈપણ સામાન્ય નાગરિક માટે અત્યંત જરુરી છે.

કસ્ટોડિયલ ટોર્ચરના જ એક કિસ્સામાં આસામમાં ફરજ બજાવતા એક IPS ઓફિસરને કોર્ટે IPCની કલમ ૩૩૦ હેઠળ બે વર્ષની જેલ અને ૫૦,૦૦૦ રુપિયાના દંડની સજા ફટકારી છે. અમિતાવ સિન્હા નામના આ આઈપીએસ અધિકારી પર મર્ડર કેસના એક આરોપીને ટોર્ચર કરવાનો આરોપ હતો, પાંચ વર્ષ જૂના કેસમાં IPS સામે લાગેલા આરોપ સાબિત થતાં કોર્ટે તેમને આ સજા ફટકારી હતી.

આસામના કિસ્સામાં IPS અધિકારીને કોર્ટે દોષિત ઠેરવ્યાના તુરંત જ બાદ તેમણે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે જામીન પણ લઈ લીધા છે. IPSના વકીલનો દાવો છે કે, તેમણે માત્ર આરોપીની પૂછપરછ કરી હતી. બીજી તરફ, ફરિયાદીનો આરોપ છે કે, તેને હોકી સ્ટિક વડે માર મરાયો હતો, જેના કારણે તેનો હાથ ફ્રેકચર થઈ ગયો હતો. એટલું જ નહીં, પોલીસે ૧૭-૧૮ જુન ૨૦૧૩ના ગાળામાં ગુદામાર્ગમાં પેટ્રોલ નાંખી દીધું હતું.

કેટલીકવાર પોલીસ આરોપીને જ નહીં, પરંતુ કોઈ વ્યકિતની ગેરકાયદેસર અટકાયત કરીને પણ તેના પર ત્રાસ ગુજારતી હોય છે. દેશમાં બનાવટી એન્કાઉન્ટર થતાં હોય ત્યારે કોઈ નિર્દોષ વ્યકિત પર પોલીસ દ્વારા થતો જુલ્મ જાણે મોટી વાત જ ન હોય તેમ તેના કિસ્સા અવારનવાર મીડિયામાં આવતા રહે છે. જેનો ભોગ મોટાભાગે એવા લોકો બને છે કે જેમની પાસે કાયદાકીય લડાઈ લડવાની ક્ષમતા નથી હોતી.

ઘણીવાર તો પોલીસ કોઈ વ્યકિત પાસેથી જબરજસ્તી ગુનાની કબૂલાત કરાવવા માટે પણ તેને ભયાનક રીતે ટોર્ચર કરતી હોય છે. તેવામાં પોલીસનો ત્રાસ સહન કરવાને બદલે તે વ્યકિત લાચાર થઈને ગુનો કબૂલી લેવામાં જ શાણપણ સમજતી હોય છે, અને પોલીસ આખા કેસમાં ખોટા વ્યકિતને ગુનેગાર સાબિત કરી દે છે.

એટલું જાણી લો કે, પોલીસ કોન્સ્ટેબલ હોય કે પછી IPS ઓફિસર, તેની પાસે આરોપીને માર મારવાનો કોઈ પાવર નથી. એટલું જ નહીં, પોલીસ જો આરોપીને માર મારે તો તે કોર્ટ સમક્ષ તેની ફરિયાદ પણ કરી શકે છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર આપે છે, અને આ બંધારણિય અધિકારનું સ્થાન તમામ અધિકારોમાં સૌથી ઉપર છે, કસ્ટોડિયલ ટોર્ચરમાં તેનો ભંગ થાય છે. જોકે, કયારેક જાહેર સ્થળે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાચવવા પોલીસ ચોક્કસ લાઠીચાર્જ કરી શકે છે. કસ્ટોડિયલ ટોર્ચરના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ તેમાં કોઈ પોલીસ અધિકારીને સજા થયાના કિસ્સા ભાગ્યે જ સામે આવે છે. આવા કિસ્સામાં અગાઉ જણાવ્યું તેમ મોટાભાગે ભોગ બનનારા લોકો ગરીબ કે સામાન્ય વ્યકિત હોય છે, જેમની પાસે ન તો કેસ લડવાના પૈસા હોય છે કે ન તો સમય, માટે ભાગ્યે જ કસૂરવારોને સજા થતી હોય છે.

(3:51 pm IST)