Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

દક્ષિણમાં ભારે વરસાદથી એલચી, ચા સહિતના પાકને જંગી નુકસાન

આ બધાનું ઉત્પાદન ૪૦ ટકા ઘટી શકેઃ ભાવ ઊંચકાશે

નવી દિલ્હી તા. રર :.. ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે ત્યારે બીજી તરફ દક્ષિણમાં કેરળ સહિતનાં રાજયોમાં ભારે વરસાદને પગલે એલચી- મરી સહિતના અનેક પ્લાન્ટેશન પાકોને મોટી અસર પહોંચી છે. છેલ્લા પંદર દિવસથી આવી રહેલા વરસાદને પગલે ઉભા પાકમાં નુકશાન થયું છે અને રોજ-જીવાત પણ આવવાની સંભાવના છે.

હિલ્સ પ્લાન્ટેશન કંપનીનાં મેનેજીંગ ડીરેકટર કે. મેથ્યુએ જણાવ્યું હતું કે 'મે મહિનામાં પ્રી-મોન્સૂન વરસાદ બાદ છેલ્લા પંદર દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે અમારા મુન્નારના ગાર્ડનમાં મોટા પાયે નુકસાન થયું છે. જૂલાઇ મહિનામાં પરિસ્થિતિ હજી વધુ ગંભીર થાય એવી ધારણા છે. ખાસ કરીને ચાના પાકને મોટી અસર થવાની સંભાવના દેખાઇ રહી છે. આ તરફ કોચીનમાં ચાના ઓકશનમાં પણ નીચા ભાવ બોલાઇ રહ્યા હોવાથી એની પણ નેગેટીવ અસર જોવા મળી રહી છે.'

ચા ની એક અન્ય કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, 'વરસાદ તો આવી રહ્યો છે, પરંતુ સૂર્યપ્રકાશનો પણ અભાવ હોવાથી જૂનની સાથે જૂલાઇમાં પણ પાકને અસર થાય એવી ધારણા છે અને ચાના ઉત્પાદનમાં ર૦ થી રપ ટકાનો ઘટાડો થાય એવી ધારણા છે. છેલ્લા ૧૦ દિવસથી ચાના બગીચામાં પત્તી ચૂંટવાનું કામ બંધ છે.'

કેરળના પ્લાન્ટર્સ એસોસીએશનનું સત્તાવાર કહેવું છે કે 'કેરળમાં ચાલુ વર્ષે એલચી, ચા સહિતના પ્લાન્ટેશન પાકનું ઉત્પાદન ઓછામાં ઓછું ૪૦ ટકા ઘટે એવી ધારણા છે. એને કારણે ચાના વાર્ષિક ઉત્પાદનને પણ અસર થશે અને એનું ઉત્પાદન પણ ઘટી જાય એવી ધારણા છે.'

એલચીના મુખ્ય ઉત્પાદક મથક એવા વેન્દાનમેન્દુ, પેરમેદુ વેન્દીપેરિયાર સહિતના વિસ્તારમાં ચાલુ વર્ષે ઉતારામાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડોથશે અને કુલ ઉત્પાદન રપ ટકા ઓછું થાય એવી ધારણા છે.

(11:15 am IST)