Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

અેરઅેશિયા ઇન્ડિયાની કોલકત્તાથી બાગડોગરા જઇ રહેલ ફ્લાઇટમાં પાઇલોટનો અમાનવીય વ્‍યવહારઃ ૪ કલાક મોડી ઉપાડી અને દોઢ કલાક સુધી મુસાફરોને વિમાનમાં બેસાડી રાખ્‍યાઃ બહાર વરસાદ પડતો હતો અને અંદર અે.સી. વધારી દેતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયુ

કોલકત્તાઃ અેરઅેશિયા ઇન્ડિયાની ફ્લાઇટમાં પાઇલોટે યાત્રિકો સાથે અમાનવીય વ્‍યવહાર કરતા યાત્રિકોમાં ભારે કચવાટ ફેલાયો છે.

કોલકત્તાથી બાગડોગરા જઇ રહેલી આ ફ્લાઇટ તેના સમયના ચાર કલાકથી વધારે મોડી ઉડી જેના કારણે વિવાદ થયો હતો.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કાર્યકારી નિદેશક દીપાંકર રાય પણ આ વિમાનમાં હતાં. તેમણે એર એશિયાના કર્મચારીઓના અવ્યવસાયિક વ્યવહારની ફરિયાદ કરી હતી. તેમણે પીટીઆઈને જણાવ્યું કે મુસાફરોને દોઢ કલાક સુધી વિમાનમાં બેસાડી રાખવામાં આવ્યાં હતાં. જે પછી તેઓ વિમાનમાંથી બહાર ઉતરવા મજબૂર થઇ ગયા હતાં.

રાયે જણાવ્યું કે, "તે વખતે બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. તેવી સ્થિતિમાં જ્યારે લોકોએ વિમાનમાંથી બહાર જવાની ના પાડી ત્યારે કેપ્ટને લોકોને ભગાડવા માટે એસીનું તાપમાન ઓછું કરી દીધું જેના કારણે વાતાવરણ એકદમ ઠંડું થઇ ગયું. જેના કારણે વિમાનમાં ધૂંધ છવાઇ ગઇ અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ ગઇ."

ફેસબુક પ્રોફાઇલમાં રાયે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું છે કે, "ત્યાં બાળકો રડી રહ્યાં હતાં અને કેટલીક મહિલા યાત્રીઓને ઉલ્ટીઓ પણ થઇ રહી હતી. ભારતમાં એવિએશન ઇન્ડસ્ટ્રી આ રીતે ચાલે છે. આ એરએશિયા સર્વિસ તો ખાસ રીતે ડરાવણી હતી..."

આ અંગે એર એશિયાએ આપેલા નિવેદન આપતા જણાવ્યું કે, ' વિમાનને ઉપડવામાં મોડુ થયું તે માટે અમને દુખ છે. કંપનીનું કહેવું છે કે ટેક્નિકલ ગરબડીને કારણે સડા ચાર કલાક મોડું થયું. ' આ સાથે કંપનીએ જાતે એસી વધારવાના આરોપને નકારી કાઢ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે દરેક મુસાફરોને યોગ્ય સેવા આપવામાં આવી છે.

(12:00 am IST)