Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

હવે મતદાન બાદ એ.આઈ પર આધારિત લેઝર ચિહ્નનો ઉપયોગ થશે

બોગસ મતદાન રોકવા ચૂંટણી પંચ દ્વારા નવો પ્રયોગ : આ વર્ષે યોજાનાર પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ આ નવી પ્રણાલી લાગુ કરવામાં આવી શકે

નવી દિલ્હી, તા.૨૨ : બોગસ મતદાન રોકવા માટે ચૂંટણી પંચ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવનાર છે. મતદાન બાદ આંગળી પર ઇક્નની જગ્યાએ લેઝર ચિન્હનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નીક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ.આઈ. પર આધારિત હશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વર્ષે યોજાનાર પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ આ નવી પ્રણાલી લાગુ કરવામાં આવી શકે છે. લેઝરથી બનાવવામાં આવેલ ચિન્હ લાંબા સમય સુધી રહે છે. તેને મટાવવું લગભગ અશક્ય છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પણ ઇવીએમમાં કેમેરા પણ બેસાડવામાં આવશે જે મતદારનો ફોટો પાડશે એવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવી પદ્ધત્તિના ઉપયોગને કારણે ઇક્નનો ઉપયોગ કાયમ માટે બંધ થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન વખતે તે ઇક્નનો ઉપયોગ કરવામાં આવે છે તે ખૂબ મોંઘી હોય છે. આ ઇક્નમાં ચાંદીવાળું સિલ્વર નાયટ્રેટ નામનું રસાયણ વાપરવામાં આવે છે. ચાંદીનો ઉપયોગ થતો હોવાથી આ ઇક્ન ખૂબ જ મોંઘી પડે છે. ૨૦૦૯માં ૨૦ લાખ ઇક્ન બોટલ વપરાઇ હતી જ્યારે ૨૦૧૪માં ૨૧. ૫ લાખ ઇક્ન બોટલ અને ૨૦૧૯માં ૨૬ લાખ ઇક્ન બોટલ વપરાઇ હતી. ત્યારે આ નવી ટેક્નીકને કારણે ચૂંટણી પંચ પર આવનાર આ મોટો ખર્ચ ઓછો થઇ જશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.

લેઝર સ્પોટના ઉપયોગને કારણે બોગસ મતદાન રોકી શકાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. લેઝર સ્પોટ કર્યા બાદ જો એ વ્યક્તિ ફરી મતદાન માટે આવે તો તે પકડાઇ જશે. બીજી તરફ ઇવીએમમાં બેસાડવામાં આવનાર કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેક્નીકને કારણે ફરી મતદાન કરવા આવેલ વ્યક્તીને ઓળખી કાઢી ચૂંટણી અધિકારીને તે અંગેનું એલર્ટ મોકલશે.

 

(9:13 pm IST)