Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

૨૦૦૦ રૂપિયાની નોટ બદલવામાં કોઈ ઝંઝટ થશે નહીં

જાહેર થઇ SBIની નવી ગાઈડલાઈન

મુંબઇ,તા. ૨૨ : રિઝર્વ બેંક ઇન્‍ડિયાએ ૨૦૦૦ ની નવી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી છે. જો કે, આરબીઆઈએ કહ્યું છે કે ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં લોકો તેમની નોટો બેંકમાં જઈને બદલી શકે છે. જો કે, આ ડિમોનેટાઇઝેશન નથી પરંતુ નવી ૨૦૦૦ નોટોને સર્કુલેશનમાંથી બહાર કરવાની રીત છે. સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા (એસબીઆઈ) એ ગ્રાહકોને નોટો બદલવા વિશે સારા સમાચાર આપ્‍યા છે.

સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ ૨૦૦૦ ની નોટ બદલવા માટે એક માર્ગદર્શિકા જારી કરી છે. સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ કહ્યું છે કે નોટ બદલવા માટે તમારે કોઈ આઈડીની જરૂર રહેશે નહીં, અથવા તમારે કોઈ ફોર્મ ભરવું પડશે નહીં. એક સમયે ૧૦ નોટો બદલવામાં આવશે, એટલે કે ૨૦,૦૦૦ સુધીની નોટો એક જ સમયે બદલી શકાશે.

જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર સતત એવા સમાચાર વાયરલ થઈ રહ્યા હતા કે નોટ બદલવા માટે આધાર કાર્ડ અથવા કોઈપણ આઈડી આપવી પડશે. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહ્યા હતા. તેને ધ્‍યાનમાં રાખીને સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ માર્ગદર્શિકા જાહેર કરી છે.

જણાવી દઈએ કે તમે તમારા નજીક આવેલી કોઈપણ શાખામાં જઈને ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકાય છે. તેના માટે તમારો તે બેંકમાં એકાઉન્‍ટ નંબર હોવો જરૂરી છે. તમે સીધા બેંકના કાઉન્‍ટર પર જઈને નોટ બદલી શકો છો. તે ઉપરાંત તમારા બેંક એકાઉન્‍ટમાં તમે બે હજાર રૂપિયાની નોટમાં પૈસા જમા પણ કરાવી શકો છો. ૨૩ મેથી નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ જશે, જે ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ચાલશે. આરબીઆઈએ સ્‍પષ્ટ કહ્યું છે કે, આ નોટબંધી નથી. ૩૦ સપ્‍ટેમ્‍બર પછી પણ ૨૦૦૦ રૂપિયાની નોટ લીગલ ટેન્‍ડર રહેશે.૨૦૧૬માં જયારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, તે પછી ૨૦૦૦ રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી. સરકારે નવેમ્‍બર ૨૦૧૬માં રૂા.  ૫૦૦ અને રૂા. ૧૦૦૦ની નોટ બંધ કરી દીધા છે. તેની જગ્‍યાએ માત્ર રૂા. ૫૦૦ અને રૂા. ૨૦૦૦ની નવી નોટ જારી કરી હતી. પરંતુ હવે ૨૦૦૦ની નવી નોટ બંધ થઈ રહી છે. એટલે કે રૂા.૫૦૦ની નોટ દેશની સૌથી મોટી કરન્‍સી હશે

(4:35 pm IST)