Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

મોદીને ફિજીનું સર્વોચ્‍ચ સન્‍માન આપવામાં આવ્‍યું

પીએમ મોદીને મળ્‍યું વધુ એક સન્‍માન

 ફીજી,તા.૨૨ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ને ફિજી (Fiji)નું સર્વોચ્‍ચ સન્‍માન આપવામાં આવ્‍યું છે. ફિજીના વડા પ્રધાન સિતવાની રાબુકા ના હસ્‍તે ફિજીનું સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન, ‘કમ્‍પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી' મોદીને એનાયત કરવામાં આવ્‍યું છે. નોંધનીય બાબત એ છે કે, આજ સુધી આ સન્‍માન માત્ર થોડા જ બિન-ફિજી લોકોને મળ્‍યું છે. ત્‍યારે આ સન્‍માનનું ભારત માટે આગવું મહત્‍વ છે. આ સાથે પલાઉ રિપબ્‍લિકે પણ પીએમ નરેન્‍દ્ર મોદીનું સન્‍માન કર્યું હતું.

 રિપબ્‍લિક ઓફ પલાઉએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને ‘ઈબાકલ એવૉર્ડ'થી સન્‍માનિત કર્યા. આ બંને એવૉર્ડ વડાપ્રધાન મોદીને પાપુઆ ન્‍યુ ગિનીમાં જ આપવામાં આવ્‍યા છે. પીએમઓ ઇન્‍ડિયાએ ટ્‍વિટર પર એક પોસ્‍ટ શેર કરીને આ બાબતની માહિતી આપી છે. જેમાં લખ્‍યું છે કે, ‘પલાઉના રાષ્‍ટ્રપતિ સુરજેલ વ્‍હીપ્‍સ જુનિયરે વડાપ્રધાનને ભેટ આપી. ઇબાકલ સાથે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી. પલાઉના લોકો માટે તે સૌથી મહત્‍વપૂર્ણ સાધનોમાંનું એક છે અને તે સ્‍થાનિક સંસ્‍કળતિ સાથે જ્ઞાનનું પણ પ્રતિક છે.'

 પાપુઆ ન્‍યૂ ગિનીએ પણ વડાપ્રધાન મોદીને તેમના દેશના સર્વોચ્‍ચ એવોર્ડથી સન્‍માનિત કર્યા. પપુઆ ન્‍યૂ ગિનીએ પેસિફિક ટાપુ દેશોની એકતા અને ગ્‍લોબલ સાઉથના કારણને આગળ કરવા બદલ વડાપ્રધાન મોદીને ‘કમ્‍પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ લોગોહુ'થી સન્‍માનિત કર્યા. પાપુઆ ન્‍યુ ગિની દ્વારા બહુ ઓછા લોકોને આ એવોર્ડ આપવામાં આવ્‍યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલાં, બિલ ક્‍લિન્‍ટનને આ સન્‍માન મળ્‍યું છે.

  તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સોમવારે પપુઆ ન્‍યૂ ગિનીમાં પેસિફિક દેશો સાથે ભારતના સંબંધો સુધારવા માટે રચાયેલ ઇન્‍ડિયા પેસિફિક આઇલેન્‍ડ કો-ઓપરેશન ફોરમ (FIPIC)માં જોડાયા હતા. બન્ને દેશો મળીને આ આયોજન કરી રહ્યાં છે. નરેન્‍દ્ર મોદી રવિવારે સાંજે પપુઆ ન્‍યુ ગિની પહોંચ્‍યા હતા. રાજધાની પોર્ટ મોરેસ્‍બીમાં વડાપ્રધાન જેમ્‍સ મરાપે દ્વારા તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મરાપેએ મોદીના ચરણ સ્‍પર્શ કરીને સ્‍વાગત કર્યું હતું

(4:29 pm IST)