Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના ડેટામાંથી બહાર આવી માહિતીઃ ૨૦૦૦ ની નોટનું ચલણ સતત ઘટતું રહ્યું છે

૨૦૧૬ માં કરવામાં આવેલી નોટ બંધી બાદ રૂા.૫૦૦ની નોટનો વ્‍યવહાર વધીને ૭૦ ટકાથી ઉપર રહ્યો

નવી દિલ્‍હીઃ રિઝર્વ બેંક દ્વારા  રૂા.૨,૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવ્‍યા બાદ તે માટેની માર્ગદર્શિકા પણ જાહેર થઈ ગઈ છે અને લોકોમાં કોઈ ગભરાટ ન ફેલાય તે માટે અનેક સુવિધાઓ પણ જાહેર કરવામાં આવી છે.આ જાહેરાત બાદ અનેક પ્રકારની વિગતો આપતા અહેવાલો બહાર આવી રહ્યા છે અને એક નવા અહેવાલમાં એવી હકીકત જણાવવામાં આવી છે કે છેલ્લા છ થી સાત વર્ષમાં દેશમાં રૂપિયા ૫૦૦ ની નોટના વ્‍યવહારનું ચલણ ૭૦ ટકા થી ઉપર પહોંચી ગયું છે.રિઝર્વ બેંકના ડેટા પરથી એવી માહિતી બહાર આવી છે કે ૨૦૧૬ માં નોટ બંધી જાહેર કરવામાં આવી ત્‍યારથી લઈને આજ સુધીમાં રૂપિયા ૫૦૦ ની નોટ નો વ્‍યવહાર વધીને ૭૩.૩ ટકા પર રહ્યો છે.દરમિયાનમાં રૂપિયા ૨૦૦૦ ની નોટોનો ચલણ ૨૦૧૬ થી લઈને આજ સુધીના હિસાબ મુજબ સતત ઘટતું રહ્યું છે અને તેની ટકાવારીમાં સતત ઘટાડો નોંધાયો છે અને એટલા માટે જ હવે રૂપિયા ૨૦૦૦ ની નોટ ને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે અને જેનાથી સામાન્‍ય વર્ગને કોઈ પરેશાની થવાની નથી.

રૂપિયા ૨૦૦૦ ની નોટ એક્‍સચેન્‍જ કરવા માટે અનેક સુવિધાઓ જાહેર કરવામાં આવી છે અને છેલ્લે છેલ્લે તો એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે તેના માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી કે કોઈ આઈડી પ્રૂફ આપવાની પણ જરૂર રહેતી નથી.આમ તો રૂપિયા ૫૦૦ ની નોટ નો વ્‍યવહાર મુખ્‍ય પ્રમાણમાં આમ જનતા દ્વારા તેમજ ધંધા ઉદ્યોગો દ્વારા વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે અને હવે તેને વધુ પ્રોત્‍સાહન પણ મળશે અને બીજી બાજુ રૂપિયા ૧૦૦૦ ની નોટ ફરી પાછી ચલણમાં આવવાની પણ સંભાવના દેખાઈ રહ્યું છે ત્‍યારે લોકોને અને ધંધા રોજગારને કોઈ વિપરીત અસર પડશે નહીં.

(3:37 pm IST)