Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

ID પ્રુફ વગર ૨૦૦૦ની નોટ બદલવાની પરવાનગી કેમ ? RBI-SBI વિરૂધ્‍ધ ફરિયાદ

૨૦૦૦ની નોટનો મામલો પહોંચ્‍યો દિલ્‍હી હાઇકોર્ટમાં : ભાજપના નેતાએ કરી ફરિયાદ : ૨૦૦૦ની નોટ કોઇ પત્રક - લખાણ કે ID પ્રુફ વગર બદલવાનો નિર્ણય એકહથ્‍થુ - તર્કહીન - બંધારણની કલમ ૧૪નો ભંગ છે

નવી દિલ્‍હી તા. ૨૨ : ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો ધીમે ધીમે પાછી ખેંચી લેવાનો મામલો દિલ્‍હી હાઈકોર્ટમાં પહોંચ્‍યો છે. આ અંગે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્‍યાય દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્‍યું છે કે કોઈપણ ડિમાન્‍ડ સ્‍લિપ અને ઓળખના પુરાવા વિના રૂ. ૨૦૦૦ની નોટ જમા કરાવવા અથવા અન્‍ય નાના મૂલ્‍યની નોટોમાં રોકડ ચૂકવવાનો આદેશ મનસ્‍વી, અતાર્કિક અને ભારતના બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન છે.

અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા અને સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે કે ૨૦૦૦ રૂપિયાની નોટો માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા કરવામાં આવે. આના કારણે કોઈ અન્‍ય બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં. તેનાથી કાળું નાણું અને અપ્રમાણસર સંપત્તિ ધરાવતા લોકોની ઓળખ સરળતાથી કરી શકાશે.

અરજીમાં કહેવામાં આવ્‍યું છે કે આ પગલાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્‍યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્‍દ્રને કાળા નાણા અને અપ્રમાણસર સંપત્તિ ધારકો સામે યોગ્‍ય પગલાં લેવામાં મદદ કરશે. તેથી આ અંગે સરકાર અને આરબીઆઈને યોગ્‍ય સૂચના આપવા અરજીમાં વિનંતી કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા આવતીકાલે એટલે કે ૨૩ મે ૨૦૨૩ મંગળવારથી શરૂ થવા જઈ રહી છે. તમે કોઈપણ બેંક શાખામાં જઈને તમારી સાથે આ ઉચ્‍ચ નોટો સરળતાથી બદલી શકો છો. આ માટે તમારે કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નથી કે તમારી પાસેથી કોઈપણ પ્રકારનું ઓળખ પત્ર માંગવામાં આવશે નહીં. તમે એક સમયે ૨૦૦૦ રૂપિયાની ૧૦ નોટ બદલી શકો છો.

સોશ્‍યલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે નોટબંધી કરવામાં આવેલી નોટો બદલવા માટે બેંકોમાં આઈડી પ્રૂફની જરૂર પડશે. આ અહેવાલો પર, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેની તમામ શાખાઓને જાણ કરી છે કે આરબીઆઈ દ્વારા ગયા શુક્રવારે તાત્‍કાલિક અસરથી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. ૨,૦૦૦ની નોટોને બદલવા માટે કોઈ ફોર્મ અને કોઈ ઓળખ પુરાવાની જરૂર રહેશે નહીં. બેંક દ્વારા ૨૦ મેના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્‍યું હતું કે દરેકને ૨,૦૦૦ રૂપિયામાં અન્‍ય મૂલ્‍યોની નોટો બદલવાની મંજૂરી આપવામાં આવી છે.

રિઝર્વ બેંકે જારી કર્યા છે અને કહેવામાં આવ્‍યું છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહેલી ૨૦૦૦ રૂપિયાની નોટને બદલવાની પ્રક્રિયા ૨૩ મે ૨૦૨૩થી શરૂ થશે અને તેને ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી બદલી શકાશે. જો તમારી પાસે પણ આ નોટો છે, તો ગભરાવાની જરૂર નથી, બલ્‍કે તમે તેને સરળતાથી બદલી શકો છો. તમારે તમારી નજીકની કોઈપણ બેંક શાખામાં જવું પડશે જયાં નોટ સરળતાથી બદલી શકાય છે.

આ વખતે પણ નોટો બદલવાની પ્રક્રિયા બિલકુલ એવી જ છે જેવી નવેમ્‍બર ૨૦૧૬માં પ્રથમ નોટબંધી વખતે હતી. જયારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની મોટી નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. અર્થાત RBIએ નોટો બદલવાની મર્યાદા નક્કી કરી છે. કેન્‍દ્રીય બેંકના પરિપત્ર અનુસાર, તમે એક સમયે ૨૦૦૦ રૂપિયાની માત્ર ૧૦ નોટ બદલી શકશો. એટલે કે એક સાથે નોટો બદલવાની મર્યાદા ૨૦,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. 

(3:30 pm IST)