Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વજુભાઈ વાળા, ઓ.પી. કોહલી સહિતના રાજ્યપાલોની મુદ્દત પુર્ણ થાય છેઃ કાલના પરિણામ પર ભાવિ નિર્ભર

રામ નાઈક, કેસરીનાથ ત્રિપાઠી, મૃદુલા સિન્હા, પી. સદાશિવમ્, સી.વી. રાવ, કલ્યાણસિંહ વગેરે ૨૦૧૪થી રાજભવનમાં છે : કેન્દ્રમાં સરકાર યથાવત રહે તો ફરી રાજ્યપાલ પદે નિમણૂક મેળવવાની તક, સરકાર બદલાય તો રાજભવનમાંથી વિદાય નક્કીઃ આનંદીબેન ૧૬ મહિનાથી મધ્યપ્રદેશમાં રાજ્યપાલ પદે છે

રાજકોટ, તા. ૨૨ :. સમગ્ર વિશ્વની નજર ખેંચનાર ભારતની લોકસભાની ચૂંટણીના સાત તબક્કા પુરા થતા આવતીકાલે ગુરૂવારે મત ગણતરી છે. નવી સરકાર કયા પક્ષની આવશે ? તેનુ ચિત્ર કાલે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જવાની આશા છે. નવી સરકાર સંસદ સભ્યો ઉપરાંત જનતા અને જાહેર જીવનના અનેક લોકોને અસરકર્તા બનશે. દેશના મોટા ભાગના રાજ્યોના રાજ્યપાલોની મુદ્દત આવતા બે ત્રણ મહિનામાં પુરી થઈ રહી છે. તેમનુ ભવિષ્ય નવી સરકાર પર આધારીત રહેશે.

રાજ્યપાલની મુદ્દત પાંચ વર્ષની હોય છે. બે રાજ્યમાં થોડો-થોડો સમય રાજ્યપાલ પદે રહ્યા હોય તો પણ બન્નેના ગણીને સળંગ પાંચ વર્ષ જ માનવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર બદલાય ત્યારે રાજ્યપાલો બદલાતા હોય છે. ભૂતકાળમાં સરકાર બદલાયા પછી મુદ્દત પુરી થઈ ન હોવા છતા રાજ્યપાલોને હટાવી દેવામા આવ્યા હોય તેવા દાખલા છે. કેન્દ્રમાં જે પક્ષની સરકાર આવે તે પક્ષની પસંદગીના રાજ્યપાલો આવે છે. નવી સરકારની રચના પછી ટૂંક સમયમાં જ કેટલાય રાજ્યપાલોની મુદ્દત પુરી થઈ રહી છે. જો કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર યથાવત રહે તો તેમને બીજા પાંચ વર્ષ રાજ્યપાલ બનવાની તક રહેશે. સરકાર બદલાશે તો રાજભવનમાંથી હાલના લગભગ તમામ રાજ્યપાલોની વિદાય નિશ્ચિત બનશે. જો કેન્દ્રમાં ભાજપ અને સાથી પક્ષોના મોટા હિસ્સાવાળી સરકાર બને તો ટેકેદાર પક્ષો પણ રાજ્યપાલ પદ માગે તેવી શકયતા નકારાતી નથી.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, નાગાલેન્ડના પદ્મનાભ આચાર્ય, મહારાષ્ટ્રના સી.વી. રાવ, ઉત્તર પ્રદેશના રામ નાઈક, પશ્ચિમ બંગાળના કેસરીનાથ ત્રિપાઠી, ગોવાના મૃદુલા સિન્હા, કેરળના પી. સદાશિવમ્ વગેરેની પાંચ વર્ષની મુદત જુલાઈ-ઓગષ્ટના અરસામાં પુરી થઈ રહી છે. વજુભાઈ વાળા તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪થી રાજ્યપાલ પદે છે. ઓમપ્રકાશ કોહલી ગુજરાતમાં ૧૬ જુલાઈ ૨૦૧૪થી રાજ્યપાલ તરીકે કાર્યરત છે. ગુજરાતના આનંદીબેન પટેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૮થી મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ છે. રાજ્યપાલોના ભવિષ્યને લગતુ ચિત્ર ગણતરીના દિવસોમાં જ સ્પષ્ટ થઈ જશે.

(3:25 pm IST)