Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કાલે ગુજરાત સહિત ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકો માટે મતદાન

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં રાહુલ ગાંધી, અમિત શાહ, શશી થરૂર, મુલાયમ યાદવ, વરૂણ, જયાપ્રદા સહિત ૧૫૯૪ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશેઃ ૧૪૨ મહિલા ઉમેવારો છેઃ ૩૪૦ ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસઃ સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાનઃ તૈયારીઓ પુરી

નવી દિલ્હી તા.રરઃ લોકસભાની સાત તબક્કે યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકો થવાનું છે. ત્યારે તેની તમામ તૈયારીઓ પુરી થઇ ગઇ છે. સવારે ૭ થી સાંજે ૬ દરમ્યાન મતદાન થશે.

લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે કાલે મતદાન થવાનું છે. જેથી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો ગઇ કાલે અંતિમ દિવસ હતો. સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થઇ ગયા હતા. ત્રીજા તબક્કામાં ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠક પર ૨૩મી એપ્રિે મતદાન થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ બેઠકો સહિત સૌથી વધુ કુલ બેઠકો પર મતદાન યોજાશે.

ત્રીજા ચરણમાં ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર મતદાન થશે. કેરળમાં ૨૦, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૧૪-૧૪, ઉત્તર પ્રદેશમાં ૧૦, છત્તીસગઢમાં ૭, ઓડિશામાં ૬, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પાંચ-પાંચ, આસામમાં ચાર, ગોવામાં બે, જમ્મુ અને કાશ્મીર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તથા ત્રિપુરામાં એક-એક બેઠક માટે મતદાન થશે.

ત્રીજા તબક્કામાં કુલ ૧૫૯૪ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ૧૪૨ મહિલા ઉમેદવાર છે. ૧૫૯૪ ઉમેદવારો પૈકી ૩૪૦ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જયારે વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી, અમિત શાહ, અનંતકુમાર હેગડે, સંબિત પાત્રા અને શશી થરૂરનું ભાવિ નક્કી થવાનું છે, ત્યારે આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાં ૧૦ બેઠકોપર થનારા મતદાનમાં ગઠબંધનની મજબૂતી સાથે પારિવારિક સંબંધોની પણ કસોટી થવાની છે. કેમ કે ૧૦ બેઠકોમાંથી ૯ બેઠક પર સપાના ઉમેદવાર મેદાનમાં છે. મુલામયસિંહ યાદવ, સંતોષ ગંગવાર, આઝમ ખાન, જયાપ્રદા, વરૂણ ગાંધી, શિવપાલ યાદવ જેવાં દિગ્ગજોની પરીક્ષા થશે.

૨૩૦ ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયેલા છે. ૧૪ ઉમેદવાર એાવ છે જે દોષિત સાબિત થઇ ચૂકયા છે. ઉપરાંત ૩૯૨ ઉમેદવાર કરોડપતિ છે. સોૈથી વધુ ભાજપના ૮૪ ઉમેદવાર કરોડપતિ છે. સમાજવાદી પાર્ટીના દેવેન્દ્રસિંહ યાદવ સૌથી વધુ ૨૦૪ કરોડની મિલ્કત ધરાવે છે. તો ૧૧ ઉમેદવારોએ તેમની મિલ્કત શૂન્ય દર્શાવી છે.

ગુજરાતમાં, વિધાનસભાની ચાર બેઠક માટે પેટા-ચૂંટણી પણ મંગળવારે જ થવાની છે. રાજ્યમાં આશરે ૪ કરોડ ૪૭ લાખ મતદારો છે. એમાં બે કરોડ ૧૪ લાખ મહિલાઓ છે.

૧૧ એપ્રિલે પહેલા રાઉન્ડ વખતે ૨૦ રાજ્યોના ૯૧ મત વિસ્તારમાં ૬૯.૪૫ ટકા મતદાન થયું હતું. ૧૮ એપ્રિલે બીજા રાઉન્ડ વખતે ૧૧ રાજ્યો અને પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં સરેરાશ ૬૯.૪૩ ટકા મતદાન થયું હતું.

(10:10 am IST)