Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

કાબૂલમાં આત્મઘાતી હુમલો થયો : ૫૭ લોકોના મોત થયા

વોટર રજિસ્ટ્રેશન સેન્ટર નજીક બ્લાસ્ટ કરાયો : ઘાયલ થયેલા ૫૦થી વધુ લોકોમાં અનેકની હાલત ગંભીર આઈએસ દ્વારા હુમલો કરાયો હોવાની પ્રાથમિક આશંકા

કાબુલ, તા.૨૨ : અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં મતદાતાઓ માટે ઓળખપત્ર જારી કરનાર કેન્દ્રની બહાર એકત્રિત થયેલા લોકો વચ્ચે આત્મઘાતી હુમલો કરવામાં આવતા ઓછામાં ઓછા ૫૭ લોકોના મોત થઇ ગયા છે. ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. બ્લાસ્ટ બાદ અહીં ૨૦મી ઓક્ટોબરના દિવસે યોજાનાર ચૂંટણીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચૂંટણીને લઇને સુરક્ષા ચિંતા પણ વધી ગઈ છે. કાબુલ પોલીસના પ્રમુખ દાઉદ અમીને કહ્યું છે કે, આત્મઘાતી હુમલો કેન્દ્રમાં એન્ટ્રી ગેટની નજીક થયો હતો. આ આત્મઘાતી હુમલાખોરની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. માર્યા ગયેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. કેન્દ્ર ઉપર લોકોને રાષ્ટ્રીય ઓળખપત્ર આપવાની કામગીરી ચાલી રહી હતી. શહેરના પશ્ચિમમાં શિયા વસ્તીવાળા ક્ષેત્રમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ચૂંટણી માટે ૧૪મી એપ્રિલના દિવસે નોંધણી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે, હજુ પણ હિંસા થઇ શકે છે. આત્મઘાતી બોંબર વોટર રજિસ્ટ્રર સેન્ટર નજીક ત્રાટક્યો હતો. હુમલા માટેની જવાબદારી હજુ સુધી કોઇ સ્વીકારી નથી પરંતુ આ પ્રકારના હુમલા તાલિબાન દ્વારા કરવામાં આવે છે. જો કે, આ હુમલામાં તેની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે. તાલિબાનનો હાથ નહીં હોવાનો મતલબ એ થયો કે આ હુમલો સ્થાનિક ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ પણ નાગરિકોને  ટાર્ગેટ બનાવીને તેના દ્વારા હુમલા કરવામાં આવી ચુક્યા છે. અફઘાનિસ્તાનમાં ઓક્ટોબરમાં સંસદીય ચૂંટણી યોજાનાર છે જેની તૈયારીઓ શરૂ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૨૨મી એપ્રિલના દિવસે જ ઉત્તરીય અફઘાનિસ્તાનમાં આર્મીબેઝ ઉપર સેનાના યુનિફોર્મ પહેરીને આવેલા તાલિબાનના ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૪૦થી પણ વધુ સૈનિકોના મોત થયા હતા. બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ૧૬૦ આંકવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં નોર્ધન સીટી મઝારે શરીફ પાસે આર્મી કેમ્પ પર તાલિબાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગોળીબારની સાથે સાથે બોમ્બ પણ ઝીંકાયા હતા.

(9:23 pm IST)