Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મૌસમ હૈ ચુનાવો કા ઔર ચુનાવી શોર હૈ, આરોપ-પ્રત્યારોપ કા દૌર હૈ...

ભારતમાં પ્રથમ વખત 'પ્રેસિડેન્સિયલ ઈલેકશન' જેવો અમેરિકી ઢબનો પ્રચાર

વિપક્ષોએ એક જ વ્યકિતને નિશાન બનાવ્યાઃ ભાજપે એક માત્ર મોદીના નામ પર જ મત માંગવા પડે છેઃ મજબુતી અને મજબુરી આધારિત સમીકરણો : પ્રમુખશાહીમાં લોકો સીધા પોતાના મતથી પ્રમુખ ચૂંટે છે. લોકશાહીમાં લોકો પોતાના સાંસદને ચૂંટે અને સાંસદો વડાપ્રધાનને ચૂંટે તેવી પદ્ધતિ છે પણ આ વખતે 'મોદી જોઈએ કે નહિ ?' તે એક મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત

રાજકોટ, તા. ૨૨ :. ભારતની ૧૬મી લોકસભાની રચના માટે ૧૦ માર્ચે ૭ તબક્કાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ ધીમે ધીમે પ્રચારમાં ગરમાવો આવી રહ્યો છે. અત્યારે પ્રથમ તબક્કાની ૯૧ બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો સમય છે. ૧૧ એપ્રિલથી ૧૯ મે સુધી ૭ તબક્કે ચૂંટણી થનાર છે. કુલ ૫૪૩ લોકસભા બેઠકો માટે ચૂંટણી જંગ છે. દેશમાં સામાન્ય રીતે મુદ્દા આધારીત અને સિદ્ધાંતો આધારીત ચૂંટણી લડાતી હોય છે પરંતુ પહેલી વખત પ્રેસિડેન્સીયલ ઈલેકશન જેવો પ્રચાર થઈ રહ્યો છે.

લોકશાહીમાં લોકો પોતાના મતથી સંસદ સભ્ય ચૂંટે છે અને બધા સંસદ સભ્યો ભેગા થઈને વડાપ્રધાન ચૂંટે છે. લોકસભાની દરેક ચૂંટણીમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ મુદ્દાઓ આધારીત ચૂંટણી લડતો હોય છે પરંતુ આ વખતે પ્રમુખની સીધી ચૂંટણી કરવાની હોય તેવા માહોલના ડોકીયા થઈ રહ્યા છે. પ્રમુખશાહી પદ્ધતિમા લોકો પોતે જ સીધા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કરે છે. જેમાં પ્રમુખ પદના ચહેરાઓ જ નિર્ણાયક બનતા હોય છે. આ વખતે સંસદની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આસપાસ કેન્દ્રીત થઈ ગઈ છે. જે તે વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો અને ઉમેદવારોની પ્રતિભા મતદારોમાં ચોક્કસ અસર કરે છે પરંતુ સમગ્ર માહોલ બનાવવામાં વડાપ્રધાન પદના ઉમેદવારનો મુદ્દો જ અગ્રસ્થાને રહ્યો છે.

શ્રી મોદીએ પોતાની પાંચ વર્ષની કામગીરીને આધારે તેમજ સર્જીકલ સ્ટ્રાઈક જેવા મુદ્દા ઉછાળીને મત માંગવાનુ શરૂ કર્યુ છે. કોંગ્રેસ સહિતના તમામ પક્ષો પોતાના પક્ષની નીતિ કે સરકારની નિષ્ફળતાના બદલે મહદઅંશે વડાપ્રધાન મોદીને જ નિશાન બનાવી પ્રહારો કરી રહ્યા છે. વડાપ્રધાન તરીકે મોદી જોઈએ કે નહિ ? તે મુદ્દો જ મહત્વનો બની ગયો છે. ખુદ ભાજપે પણ મોદીનો ચહેરો આગળ કરી તેના નામે જ મત માંગવા પડયા છે. આ ભાજપની મજબુતી કહેવાય કે મજબુરી ? તે વિશે વિભિન્ન મત પ્રવર્તે છે. વિપક્ષોએ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા નથી છતાં વર્તમાન વડાપ્રધાનની પ્રતિભાના કારણે પ્રચારનો માહોલ પ્રેસિડેન્સીયલ ઈલેકશન જેવો બની રહ્યો છે.

(3:47 pm IST)