Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કોંગ્રેસે ફોડ્યો ડાયરી બોંબ

યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓને આપ્યા હતા ૧૮૦૦ કરોડ

ભાજપના ૧૨ નેતાઓના ડાયરીમાં નામઃ રાજનાથથી માંડીને જેટલી સુધીના નામો ડાયરીમાં હોવાનો ધડાકોઃ કેટલાક જજો અને વકીલોને પણ નાણાં ચૂકવાયાનો આરોપ

નવી દિલ્હી તા. ૨૨: લોકસભાની ચૂંટણી આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજાને ભરી પીવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસે એક ડાયરી બોંબ ફોડી એવો ધડાકો કર્યો છે કે, કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, વકીલો અને કેટલાક ન્યાયાધીશોને રૂ.૧૮૦૦ કરોડ ચૂકવ્યા હતા. કોંગ્રેસે કહ્યું છે કે, આ ડાયરીમાં યેદિયુરપ્પાની સહી છે. ડાયરીમાં લગભગ ૧૨ નેતાઓના નામ છે. કોંગ્રેસે આ સમગ્ર મામલાની તપાસની માંગણી કરી છે.

કોંગ્રેસના પ્રવકતા સુરજેવાલાએ આજે બપોરે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ યેદિયુરપ્પાની ડાયરી સાથે જોડાયેલ વીડિયો અને તેની વિગતો જારી કરવામાં આવી હતી જે અનંતકુમાર અને 'જેલ બર્ડ' યેદિયુરપ્પા વચ્ચેની વાતચીત હતી. હવે એક ટીવી ચેનલના માધ્યમથી આ કથિત ડાયરી જાહેર કરવામાં આવી છે. જેમાં ૧૮૦૦ કરોડ ભાજપના નેતૃત્વને પહોંચાડવાની વાત છે. તેમણે કહ્યું છે કે, તથાકથિત રીતે ૧૦૦૦ કરોડથી વધુની રકમ ભાજપની કેન્દ્રીય સમિતિને આપવામાં આવી હતી. જ્યાં સુધી આ પૈસા પહોંચાડવાની વાત છે તેઓના વ્યકિતગત નામો પણ નોંધાયેલા છે. ડાયરીના દરેક પાના પર યેદિયુરપ્પાની સહી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ ડાયરીમાં જે-જે લોકોને પૈસા અપાયા તેમાં ભાજપના નેતાઓ જેટલી, ગડકરી, રાજનાથ વગેરે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ડાયરીની સચ્ચાઇ અંગે આઇટી, જેટલી, રાજનાથ વગેરેને પૂછવામાં આવ્યુ હતું પરંતુ કોઇ પ્રત્યુત્તર નથી મળ્યો. આ ડાયરી સાચી છે કે ખોટી તેની પણ હજુ તપાસ થઇ નથી. આ ડાયરી હાલ ઇન્કમટેક્ષ પાસે છે.

(3:17 pm IST)