Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

નિરવ મોદીએ ખચાખચ કેદીઓથી ભરેલી જેલમાં હોળીનો દિવસ પસાર કર્યો : કફોડી સ્થિતિ

પંજાબ નેશનલ બેંકને લૂંટનાર માટે હવે ખરાબ દિવસો શરૃઃ ખતરનાક કેદીઓ વચ્ચે રહેવું પડયું : શૌચાલય છે પણ અત્યંત દુર્ગંધ મારતા

લંડન તા. ૨૨ : પંજાબ નેશનલ બેંકમાં ૧૩ હજાર કરોડ રૂપિયાથી વધારેનું કૌભાંડ કરીના ભાગી જનારા નીરવ મોદી માટે આ હોળી તેના જીવનની સૌથી ખરાબ હોળી સાબિત થઈ. આલીશાન બંગલામાં મૌજ કરનારો હીરા વેપારી હોળીના દિવસે ગુનાગારો અને કેદીઓથી ખીચોખીચ ભરેલી જેલમાં બંધ હતો. મંગળવારે લંડનમાં ધરપકડ કરાયેલા નિરવ મોદીને બુધવારે કોર્ટે જામીન આપવાથી ઈન્કાર કરી દીધો. આગામી સુનાવણી ૨૯ માર્ચે થવાની છે.

જમાનત અરજી રદ થયા બાદ નિરવ મોદીને દક્ષિણ-પશ્ચિમી લંડન સ્થિત 'હર મેજેસ્ટીઝ પ્રીઝન'માં રાખવામાં આવ્યો. તેને એમ હશે કે જેલમાં તેને અલગ સેલમાં રાખવામાં આવશે, પરંતુ કેદીઓની સંખ્યા એટલી વધારે હતી કે તેને ૧૪૩૦ કેદીઓમાંથી કોઈ એક સાથે સેલ શેર કરવો પડ્યો.

શાનથી દુનિયાભરના સ્ટાર્સની વચ્ચે આરામની જિંદગી પસાર કરનારા નિરવને વિકટોરિયા કાળની આ જેલમાં કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૮માં બ્રિટનના ચીફ ઈન્સ્પેકટર પ્રીઝન પીટર કલાર્કે નિરીક્ષણ કર્યું તો જાણ્યું કે આ દુનિયાની સૌથી વધુ ભીડ ધરાવતા વિસ્તારોમાંથી એક છે. ઘણા લોકો ડ્રગ્સના વ્યસની છે તો કેટલાકનું માનસિક સંતુલન ખરાબ છે. તેમને સારી ટ્રેનિંગ અને શિક્ષા નથી મળી રહી. નિરીક્ષક મુજબ સેલને એક વ્યકિતના રહેવા લાયક બનાવાયા છે, પરંતુ તેમાં સામાન્ય રીતે ૨ કેદીઓને રહેવું પડે છે. શૌચાલય પણ સરખી રીતે સ્વસ્છ નથી હોતા.

ઉલ્લેખનીય છે કે નિરવ મોદીની હોલબોર્નથી મંગળવારે બપોરે ધરપકડ કરવામા આવી હતી, જયાં તે બેંકમાં ખાતું ખોલાવવા ગયો હતો. વેસ્ટમિન્સ્ટર અદાલતે સાત દિવસ પહેલા મોદી વિરૂદ્ઘ વોરન્ટ જાહેર કર્યું હતું. ભારતના પ્રત્યાર્પણ ના આગ્રહને જોતા આ વોરન્ટ જાહેર કરાયું હતું. મોદી ૨૦૧૮માં કૌભાંડ સામે આવ્યાના થોડા મહિના પહેલા જ ભારતમાંથી ફરાર થઈ ગયો હતો.

(11:35 am IST)