Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સમજૌતા એકસપ્રેસ બ્લાસ્ટ કેસ અસીમાનંદ સહિત ચાર જણ નિર્દોષ

હુમલામાં ૬૮ લોકોના જાન ગયા હતા જેમાંથી ૪૨ જણા પાકિસ્તાનના હતા

નવી દિલ્હી તા. ૨૨ : પંચકુલાની ખાસ અદાલતે બુધવારે ૨૦૦૭ની સાલના સમજૌતા એકસપ્રેસના ઘાતક બોમ્બ-ધડાકાના કેસમાં સ્વામી અસીમાનંદ સહિત ચાર જણને નિર્દોષ જાહેર કર્યા હતા. એ હુમલામાં ૬૮ લોકોના જાન ગયા હતા જેમાંથી ૪૨ જણા પાકિસ્તાનના હતા. દિલ્હી અને પંજાબમાંની સરહદના અટારીને લાહોર સાથે જોડતી આ ટ્રેનનો બનાવ ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૦૭ની રાત્રે બન્યો હતો.

તપાસકારોએ એવો નિષ્કર્ષ વ્યકત કર્યો હતો કે આ ટ્રેનમાંના ધડાકા માટે આતંકવાદીઓએ સુધારિત વિસ્ફોટક સાધનો તથા જવલનશીલ પદાર્થોનો ઉપયોગ કર્યો હતો. આ ચીજોનો ઉપયોગ ટ્રેનના બે ડબ્બામાં કરાયો હતો અને ધડાકા તથા આગની ઘટના હરિયાણાના પાણીપત નજીક બની હતી. ટ્રેનમાંથી એક સૂટકેસમાંથી બે જીવંત બોમ્બ પણ મળી આવ્યા હતા. ૬૭ વર્ષીય સ્વામી અસીમાનંદને એક સમયે સ્વાયત્ત્। આતંકવાદ-વિરોધી તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ૨૦૦૭માં હૈદરાબાદની મક્કા મસ્જિદ તથા રાજસ્થાનની અજમેર દરગાહમાં બોમ્બ વિસ્ફોટની જે ઘટનાઓ બની હતી એ સંબંધમાં આરોપી બનાવ્યા હતા અને સમજૌતા એકસપ્રેસ ધડાકાનો કેસ અસીમાનંદને લગતા કેસોમાં પેન્ડિંગ પડી રહેલો એકમાત્ર કેસ હતો. અન્ય બન્ને કેસોમાં અદાલતે તેમને છેલ્લા બે વર્ષ દરમિયાન નિર્દોષ જાહેર કર્યા છે.

સમજૌતા એકસપ્રેસ બ્લાસ્ટના કેસમાં એનઆઇએ દ્વારા આઠ જણાને આરોપી બનાવાયા હતા. એ સમયે તપાસકારોએ કહ્યું હતું કે સમજૌતા એકસપ્રેસના કેસના ષડયંત્રના એક આરોપી અને આરએસએસના પ્રચારક સુનીલ જોશીને ડિસેમ્બર ૨૦૦૭માં તેમના સહયોગીઓએ ગોળીથી વીંધી નાખ્યા હતા. સમજૌતા એકસપ્રેસ ભારત અને પાકિસ્તાનની રેલવે દ્વારા સંયુકત રીતે ચલાવવામાં આવે છે. આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ દોડે છે.

(11:34 am IST)