Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

વેપારીઓ GSTથી નારાજ નથીઃ ખુશીથી અપનાવી રહ્યાં છેઃ ટીકા છોડોઃ CAITનો રાહુલને પત્ર

રાહુલે GSTને ગબ્બર સિંઘ ટેક્ષ ગણાવતા વેપારી સંસ્થા લાલધૂમઃ કચકચાવીને પત્ર લખી નિવેદન સામે વિરોધ નોંધાવ્યો

નવીદિલ્હી તા.રરઃ ઘરેલું વેપારીઓની સંસ્થા સીએઆઇટીએ બુધવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જીએસટી અંગેના બયાન પર ટીકા કરતા કહ્યું કે વેપારીઓ જીએસટીથી નારાજ નથી ઉલટામાં તેઓ રાજીખુશીથી તેની સાથે જોડાઇ રહયા છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે રાહુલ ગાંધીને એક પત્ર લખીને કહ્યું છે કે અમારી જાણમાં આવ્યું છેકે મંગળવારે એક રેલીમાં તમે કહ્યું હતું કે વેપારીઓ જીએસટીના કારણે હેરાન થઇ રહ્યાં છે એન જો તમે સત્તામાં આવશો તો તેમ ગબ્બરસિંઘ ટેક્ષ (જે તેમ જીએસટી માટે વાપર્યો છે) દૂર કરશો. દેશની વેપારી સંસ્થાના પ્રતિનિધિ તરીકે અમે તમારા બયાનનો સખ્ત વિરોધ કરીએ છીએ જે નિંદનીય અને સત્યથી વેગળું છે અને વેપારીઓના ખભે બંદૂક મુકવાનો પ્રયત્ન છે.

તેમણે કહ્યું કે શરૂઆતના મહિનાઓમાં જીએસટીના અમલમાં નવી પદ્ધતિના કારણે વેપારીઓને મુશ્કેલીઓ થઇ હતી પણ જેમ જેમ સમય વિત્યો અને સરકાર દ્વારા જરૂરી પગલાઓ લેવાય તેમ તેમ તે ઘણા અંશે સરળ બની ગયો છે. તેમણે ઉમેરતા કહ્યું કે જીએસટીના કારણે સૌથી મોટી રાહત વેપારીઓ માટે એ થઇ છે કે તેના લીધે સતત ઇન્સ્પેકટર રાજ અને ટેક્ષને લગતા કાગળો માંથી મુકિત મળી છે. તેમણે રાહુલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, '' અમે વેપારીઓના ખભે બંદૂક ફોડવાના તમારા પ્રયત્નનો સખ્ત વિરોધ કરીએ છીએ. તમે જીએસટી ને ગબ્બર સિંઘ ટેક્ષ કહ્યો છે તેનાથી એવી છાપ ઉભી થાય છે કે કદાચ છુટછાટ, સુધારાઓ, સરળતા અને ટેક્ષ દરોમાં ઘટાડા અંગે તમને ચોક્કસ કોઇ માહિતી નથી કદાચ એટલે જ તમે એમ કહી રહ્યા છો કે વેપારીઓ જીએસટીથી પરેશાન છે જે ખરેખર સત્યથી વેગળું છે.''

(11:33 am IST)