Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મોસુલમાં ૧ વર્ષ પહેલા જ ૩૯ ભારતીયોની હત્યા કરવામાં આવી હતી

ઇરાકી અધિકારીનો ચોંકાવનારો ખુલાસોઃ ઓકટોબર ૨૦૧૭માં જ પરિજનોના ડીએનએ લેવાયા હતા

નવી દિલ્હી તા. ૨૨ : ઈરાકના મોસુલ શહેરમાં માર્યા ગયેલા ૩૯ ભારતીયોને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈરાકના ફોરેન્સિક વિભાગના જણાવ્યા પ્રમાણે તમામ ૩૯ ભારતીયોની હત્યા લગભગ એક વર્ષ પહેલા જ કરવામાં આવી હતી. મૃતકોમાંથી મોટા ભાગનાઓને માથામાં ગોળીઓ મારવામાં આવી હતી.

ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત કામ કરનારા ફોરેન્સિક મેડિસિન વિભાગે આ ભારતીયોના મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ મૃતદેહોને માર્ટર્સ ફાઉન્ડેશને મેસુલ નજીક બાદુશમાં એક પહાડ ખોદી બહાર કાઢ્યાં હતાં.

ઈરાકના ફોરેંસિક મેડિસિન વિભાગના પ્રમુખ ડોકટર જૈદ અલી અબ્બાસે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ૩૯ લોકોમાં મોટા ભાગનાનાં મોત માથામાં ગોળી વાગવાના કારણે થયાં હતાં. આ મૃતદેહોના માત્ર કંકાલ જ બચ્યાં છે. તેમાં કોઈ પણ પ્રકારની માંસપેશી કે ટિશ્યૂ બચ્યા નથી. ફોરેંસિક રિપોર્ટ અનુંસાર કહી શકાય કે આ લોકોના મોત લગભગ એક વર્ષ પહેલા થયાં હતાં.

જયારે આ અગાઉ મંગળવારે ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સંસદમાં ૩૯ ભારતીયોના મોતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ લોકોની હત્યા ૬ મહિના પહેલા કે ૨ વર્ષની વચ્ચે થઈ હતી. ૪ વર્ષ પહેલા લાપતા થયેલા ૩૯ ભારતીયોના મૃતદેહોની ઓળખ ઈરાકમાં ડીએનએના આધારે કરવામાં આવી છે.

સુષમા સ્વરાજે કહ્યું હતું કે, મોસુલમાં આઈએસઆઈએસનો કબજો હોવાથી તત્કાળ સર્ચ ઓપરેશન હાથ ધરવું શકય ન હતું. મોસુલ ૯ જુલાઈના રોજ આતંકવાદીઓના કબજામાંથી મુકત થયું હતું અને ૧૦ જુલાઈએ વિદેશ રાજય મંત્રી જનરલ વી કે સિંહને ઈરાક માટે રવાના કરવામાં આવ્યાં હતાં. તમામ મૃતદેહોને આગામી સપ્તાહે બગદાદમાં ભારતીય દૂતાવાસને સોંપવામાં આવશે.

(3:53 pm IST)