Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મોદીના નેતૃત્વમાં શુક્રવારે ભાજપની મોટી બેઠક થશે

તમામ પ્રધાનોને ચોક્કસ હાજર રહેવા સુચના : ફુલપુર અને ગૌરખપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં હાર બાદ પ્રથમ બેઠક : મિશન ૨૦૧૯ની રણનિતી તૈયાર

નવી દિલ્હી,તા. ૨૨: ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર લોકસભાની પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે શુક્રવારે ભાજપની બેઠક બોલાવી છે. આ બેઠક પર તમામ પક્ષોની નજર રહેનાર છે. કારણ કે આ બેઠકમાં એકબાજુ પેટાચૂંટણીમાં થયેલી કારમી હારના પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. સાથે સાથે આગામી ચૂંટણી વધારે આક્રમક રીતે લડવાના તમામ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  ભાજપ પ્રમુખ અમિત શાહ પોતે આ બેઠકનુ નેતૃત્વ કરનાર છે. ભાજપના તમામ નેતાઓને આ બેઠકમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યુ છે. મિશન ૨૦૧૯ને લઇને આ બેઠક હોવાનુ જાણવા મળ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ  દીયદયાલ ઉપાધ્યાય માર્ગ સ્થિત નવી ઓફિસમાં આ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ પ્રધાનોને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મોદી પોતે આ બેઠકનુ નેતૃત્વ કરનાર છે. આ ગાળા દરમિયાન તેઓ પ્રધાનોને લોકોની વચ્ચે જઇને કામ કરવા અને સરકારની યોજના અંગે માહિતી આપવા તમામ પ્રધાનોને સુચના આપી શકે છે. સામાન્ય રીતે સંસદ ચાલે છે ત્યારે સંસદીય દળની બેઠક દરેક મંગળવારે સંસદમાં યોજાય છે. પરંતુ આ બેઠક ખાસ બેઠક રહેનાર છે. બેઠક ઉપયોગી પણ છે. કારણ કે તેમાં આગામી વિધાનસભાની ચૂંટણી ઉપરાંત અન્ય તમામ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. પાર્ટી તરફથી ખાસ સુચના તમામને હાજર રહેવા માટે આપવામાં આવી છે. પાર્ટી પ્રમુખ અમિત શાહ પણ હાજરી આપનાર છે. ફુલપુર અને ગોરખપુરમાં હાર થયા બાદ આ પ્રથમ બેઠક છે. આ હારના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે. યોગી સરકાર એક વર્ષ સત્તામાં પૂર્ણ કર્યા બાદ ઉજવણી કરી રહી છે ત્યારે આ નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમિત શાહે કહ્યુ છે કે પેટાચૂંટણીમાં હાર બાદ તેના કારણોમાં તપાસ કરવામાં આવનાર છે. મોદી દેશની રાજકીય સ્થિતી મામલે ફિડબેક પણ લઇ શકે છે. બજેટ સત્રનો બીજો તબક્કો હાલમાં ભારે ધાંધલના કારણે ખોરવાયેલો છે. વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે. ફુલપુર અને ગોરખપુરમાં હાર થયા બાદ ભાજપના સભ્યો ખુબ જ સાવધાન થઇ ગયા છે. ભાજપના સુત્રોએ કહ્યું છે કે, મોદી સાંસદો અને મંત્રીઓને રાજકીય સ્થિતિના સંદર્ભમાં ફીડબેક આપવા માટે સૂચના આપી શકે છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કોઇ કામગીરી થઇ શકી નથી. પાંચમી માર્ચના દિવસે શરૂ થયેલા આ સત્રમાં દરરોજ લોકસભા અને રાજ્યસભાની કામગીરી ખોરવાઈ ગઈ છે. સરકારે નાણાંકીય બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલને ચર્ચા વગર પાસ કરી દીધા છે.ભાજપની બેઠકને લઇને અન્ય પક્ષોની પણ નજર રહેનાર છે. ભાજપની આ બેઠકમાં હાલમાં થયેલી હારની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે માયાવતી અને અખિલેશના નવા મોરચાનો સામનો કરવાના નવા વિકલ્પ પર ચર્ચા કરવામાં આવનાર છે. ગોરખપુર અને ફુલપુર લોકસભા બેઠક પર સામાન્ય ચૂંટણી વેળા ભાજપની જોરદાર જીત થઇ હતી. જોકે હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં હાર થતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.

(12:11 pm IST)