Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટને આગળ મુકી ડીલ કરશેઃ મોદીની સામે પડકારો

અમેરિકાના હિતોને આગળ રાખીને વાતચીત કરવા ટ્રમ્પ ઉત્સુક છે : અમેરિકી પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવા માટે ભારત સુસજ્જ છે : મોદી સાથે ટ્રમ્પની ઐતિહાસિક બેઠક પર તમામની નજર : શ્રેણીબદ્ધ કરારની સંભાવના

નવી દિલ્હી, તા. ૨૨: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારના દિવસે ભારતની ઐતિહાસિક યાત્રા પર આવી રહ્યા છે. તેઓ ભારતમાં દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે હાઇ પ્રોફાઇલ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજનાર છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચનાર છે. અમદાવાદમાં આનુ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યુ છે. ભારત યાત્રા દરમિયાન ટ્રમ્પની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની થનારી ઐતિહાસિક બેઠક પર પણ તમામની નજર છે. આ બેઠકમાં જુદા જુદા ક્ષેત્રીય, દ્ધિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે.

ભારત આવતા પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ મોદી સાથે વાતચીત કરતી વેળા અમેરિકા ફર્સ્ટને આગળ રાખશે. આવી સ્થિતીમાં નરેન્દ્ર મોદીની સાથે કેટલાક મોટા પડકાર રહેનાર છે. મોદી મહત્વપૂર્ણ મંત્રણા કરવા જઇ રહ્યા છે તે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે સરકારે ટ્રમ્પને અહીંથી ચૂંટણી પ્રચારની તક આપવી જોઇએ નહીં. સાથે સાથે ભારતના હિતમાં નક્કર પગલા લેવા જોઇએ. ભારત પર અનેક વખત વધારે ટેક્સ વસુલીનો આરોપ કરી ચુકેલા ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ અમેરિકા અને ભારત વચ્ચે વાતચીત દરમિયાન તમામ બાબતોને પ્રાથમિકતા આપનાર છે. તેમણે કહ્યુ છે કે ભારત અને અમેરિકા વચ્ચે શાનદાર ટ્રેડ ડીલ થઇ શકે છે. ટ્રમ્પે એવો ઇશારો પણ કર્યો હતો કે તેઓ ડીલને ટાળી પણ શકે છે. જ્યારે ડીલને ફાઇનલ કરવામાં આવશે ત્યારે અમેરિકાના હિતોને પહેલા જોવામાં આવનાર છે. મોદીને ફરી એકવાર ટફ નિગોશિયેટર બનવાની ફરજ પડી શકે છે. ડીલને ભારતની તરફેણમાં ઝુંકાવવાની બાબત મોદી માટે મુશ્કેલરૂપ બાબત છે. ટ્રમ્પે ગુરૂવારના દિવસે લાસવેગાસમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે અમે ભારત જઇ રહ્યા છે અને એક શાનદાર ડીલ થઇ શકે છે.બીજી બાજુ નમસ્તે કાર્યક્રમ માટે આવી રહેલા ટ્રમ્પના સ્વાગત માટે લાખો લોકો તૈયાર છે.  મોટેરા સ્ટેડિયમ જતી વેળા ૧૦ મિલિયન લોકો એટલે કે એક કરોડ લોકો તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહેનાર છે તેવો દાવો ટ્રમ્પ પોતે કરી ચુક્યા છે.  

ટ્રમ્પના દાવાને પૂર્ણ કરવા માટે બહારના જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકોને પહોંચવાનુ રહેશે. ટ્રમ્પ આ મહિનાની ૨૪મી તારીખે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરનાર છે. જેમાં એક લાખથી લઇને બે લાખ લોકો પહોંચે તેવી શક્યતા છે. મોદી અને ટ્રમ્પ નવ  કિલોમીટર રૂટ પર રોડ શો કરનાર છે.

ટ્રમ્પના કાર્યક્રમને લઇને જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ શો વધારે ભવ્ય બનનાર છે. ટ્રમ્પની યાત્રાને લઇને તમામ તૈયારીઓ જારી છે. અમદાવાદ નગરનિગમના કમિશનર વિજય નહેરાએ કહ્યું છે કે, રોડ શો દરમિયાન સ્વાગતમાં એકથી બે લાખ લોકો સામેલ થશે. અધિકારીઓનું માનવું છે કે, વિમાની મથકથી સ્ટેડિયમ વચ્ચે નવ કિલોમીટરના માર્ગ પર એકથી બે લાખ લોકો લાઈનમાં ઉભા રહે તેવી શક્યતા છે. ટ્રમ્પ દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યો છે તેના કરતા આ સંખ્યા ઓછી છે.

ટ્રમ્પની આગરા યાત્રાની લઇને હાલ સસ્પેન્સ...

નવી દિલ્હી, તા. ૨૨: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઇને તમામ તૈયારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તેમનુ સ્વાગત કરવા માટે મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યુ છે. ટ્રમ્પની ઐતિહાસિક આગરા યાત્રાને લઇને હજુ કેટલાક સસ્પેન્સ રહેલા છે. આ સંબંધમાં તૈયારી ચારે બાજુ ચાલી રહી છે. જો કે આગરા યાત્રાને લઇને સસ્પેન્સ અકબંધ છે. ટ્રમ્પની તાજમહેલની યાત્રાને લઇને તૈયારી કરવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસ તરફથી જારી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ટ્રમ્પ ૨૪મી તારીખે આગરા જશે. જો કે હવે ભારત સરકારના સુત્રોએ કહ્યુ છે કે ટ્ર્મપ અને મોદી આગરા પ્લાનને બદલી શકે છે. તે પહેલા કેટલાક મિડિયા હેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે મોદી પણ ટ્રમ્પની સાથે તાજમહેલ જોવા પહોંચશે. સાબરમતી અને તાજ મહેલ એમ બંને બાબતને લઇને હાલમા દુવિધાભરી સ્થિતી પ્રવર્તી રહી છે. ટ્રમ્પ ૨૪મીએ બપોરે પહોંચનાર છે.

(3:44 pm IST)