Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

જમ્મૂ-કાશ્મીરઃ અનંતનાગમાં સેનાને મળી મોટી સફળતા, સર્ચ ઓપરેશનમાં બે આતંકી ઠાર

માર્યા ગયેલા બે માંથી એક આતંકી સ્થાનિક કમાંડરઃ આતંકીઓ પાસેથી હથિયાર, ગોળા બારૂદ મળી આવ્યાં

શ્રીનગર, તા.૨૨: જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે સુરક્ષા દળ અને આતંકી વચ્ચે અથડામણ જોવા મળી. જેમાં સેનાએ લશ્કરના ૨ આતંકીના ઠાર માર્યા છે. જમ્મૂ-કાશ્મીર પોલીસ અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ૨ આતંકીઓ ઠાર મરાયાં છે.

રાજય પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કરવામાં આવ્યાં છે. દક્ષિણ કાશ્મીરના અનંતનગ જિલ્લામાં બજબેહરાના ગુડબાબા સંગમમાં સેનાએ આતંકીઓને ઘેરી લીધા હતા.સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી, જેમાં ફાયરિંગ કરવામાં આવતાં સેનાએ લશ્કરના ૨ આતંકીઓને ઠાર માર્યાં છે.

જમ્મૂ-કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે ગુંડ બાબા સંગમમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને સુરક્ષા બળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જે દરમિયાન છુપાયેલા આતંકીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવતાં સેનાએ જવાબી કાર્યવાહી કરતાં ૨ આતંકી ઠાર મરાયાં.જો કે બંને ઠાર મરાયેલા આતંકીઓ સ્થાનિક છે અને હાલમાં તેમની ઓળખ કરવામાં આવી રહી છે. માર્યા ગયેલા બંનેમાંથી એકની ઓળખ સ્થાનિક કમાંડર ફુરકાન તરીકે થઇ છે.

(11:26 am IST)