Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટ્રમ્પના આગમન પહેલાથી જ હોટલના તમામ ૪૩૮ રૂમ બુક

ટ્રમ્પ હોટલના 'ચાણકય' સ્યૂટમાં રહેશે જયાં આ પહેલા પૂર્વ અમેરિકન પ્રમુખ જયોર્જ બુશ અને બરાક ઓબામાં રોકાયા હતા

નવી દિલ્હી, તા.૨૨: દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલના જે માળ પર ગ્રાન્ડ પ્રેસિડેન્સિયલ સ્યૂટ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હોટલના સીમિત કર્મચારીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનો પરિવાર આ જગ્યાએ રોકાશે. ટ્રમ્પ હોટલના 'ચાણકય' સ્યૂટમાં રહેશે જયાં આ પહેલા પૂર્વ અમેરિકન પ્રમુખ જયોર્જ બુશ અને બરાક ઓબામાં રોકાયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોટલમાં સુરક્ષા વ્યવસ્થા છેલ્લા બે અઠવાડિયાથી એનએસજી કમાન્ડો પાસે છે અને દિલ્હી પોલીસ દરરોજ હોટલના દરેક ફ્લોરની તપાસ કરી રહી છે. અમેરિકન દૂતાવાસના અધિકારીઓ પણ તૈયારી કરતા નજરે પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ અને તેમના સાથીઓ જયાં સુધી અહીં રોકાશે ત્યાં સુધી મહેમાનોને અહીં રહેવાની છૂટ નહીં મળે. આ ફાઇવ સ્ટાર હોટલના તમામ ૪૩૮ રૂમ બુક કરી લેવામાં આવ્યા છે.

ટ્રમ્પના આગામી અઠવાડિયાના ભારતના પ્રવાસ દરમિયાન દિલ્હી પોલીસ, અમેરિકન સિક્રેટ સર્વિસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. આઈટીસી મૌર્યમાં ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા હશે. હોટલના દરેક માળ પર સાદા કપડાંમાં પોલીસ તહેનાત રહેશે.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ ૨૪જ્રાક ફેબ્રુઆરીના રોજ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ સીધા જ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો કરશે. જયારે મોટેરા સ્ટેડિયમ ખાતે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન ટ્રમ્પ અને મોદી સ્ટેડિયમમાં હાજર લોકોને સંબોધિત કરશે. જોકે, ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન નહીં કરે. પહેલા એવા સમાચાર હતા કે મોદી અને ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે.

(10:08 am IST)